યેઉરમાં મંકી ટોપી પહેરીને આવેલી સશસ્ત્ર ટોળકીએ બિલ્ડરના ફાર્મહાઉસમાં લૂંટ ચલાવી
બિલ્ડરના પરિવારને બાંધી દીધા પછી 20 લાખના દાગીના-રોકડ સાથે સાત જણ ફરાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુલુંડના બિલ્ડરના થાણે જિલ્લાના યેઉર સ્થિત ફાર્મહાઉસમાં મંકી ટોપી પહેરીને આવેલી ટોળકીએ શસ્ત્રોની ધાકે લૂંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મળસકે ફાર્મહાઉસમાં ઘૂસેલા સાત જણ બિલ્ડરના પરિવારને બાંધી દીધા પછી અંદાજે 20 લાખના દાગીના-રોકડ સાથે ફરાર થઈ ગયા હતા.
વર્તકનગર પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ યેઉર સ્થિત રોનાચા પાડા ખાતે આવેલા બિલ્ડર સુધીર મહેતા (50)ના પુષ્પા ફાર્મહાઉસમાં બની હતી. આ પ્રકરણે પોલીસે સાત લૂંટારા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર મુલુંડ પરિસરમાં રહેતા મહેતા છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે હિલ સ્ટેશન યેઉર સ્થિત પુષ્પા ફાર્મહાઉસમાં રહેવા ગયા હતા. મળસકે મહેતા પરિવાર ભરઊંઘમાં હતો ત્યારે લૂંટારા ફાર્મ હાઉસમાં ઘૂસ્યા હતા. પિસ્તોલ અને છરા જેવાં શસ્ત્રોની ધાકે મહેતા પરિવારને બાનમાં લેવામાં આવ્યો હતો. પછી પરિવારના સભ્યોને બાંધી દઈ ફાર્મહાઉસમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ લૂંટી લૂંટારા ફરાર થઈ ગયા હતા.
ફાર્મહાઉસમાંથી અંદાજે 20 લાખની મતા લૂંટાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. સાતેય લૂંટારા મંકી ટોપી પહેરીને આવ્યા હોવાથી તેમની ઓળખ મેળવવી પોલીસ માટે મુશ્કેલ બન્યું હતું. પોલીસને શંકા છે કે લૂંટારા કોઈ વાહનમાં આવ્યા હશે. પોલીસ ફાર્મહાઉસ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઈમ બ્રાન્ચે પણ સમાંતર તપાસ હાથ ધરી હતી.