ભાવ ઘટાડાના પગલે નાશિકમાં ખેડૂતોએ કાંદાની હરાજી અટકાવી
નાશિક: કાંદાના ભાવમાં થયેલા ઘટાડાને કારણે ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ આજે મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેશના સૌથી મોટા જથ્થાબંધ બજાર લાસલગાંવ એપીએમસીમાં હરાજી થોડા સમય માટે અટકાવી દીધી હતી. ખેડૂતોએ ડુંગળી પરની 20 ટકા નિકાસ વેરો (એક્સપોર્ટ ડ્યુટી) દૂર કરવા અને ઉત્પાદનના ક્વિન્ટલદીઠ એક હજારથી 1 હજાર 200 રૂપિયાની સહાય આપવાની માગણી કરી હોવાનું એપીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, લાસલગાંવ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી)માં કિંમતમાં ભારે ઘટાડો થતાં ડુંગળીના ખેડૂતોએ હરાજી અટકાવી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આજે એપીએમસીમાં ડુંગળીના 1500 જેટલા વાહનો હરાજી માટે પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર સવારના સત્રમાં લઘુત્તમ ભાવ ક્વિન્ટલ દીઠ 800 રૂપિયા, મહત્તમ 2 હજાર 900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સરેરાશ 1 હજાર 900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.
જોકે, હરાજી શરૂ થતાં જ હરાજી કરનારાઓએ 1 હજાર 200થી 1 હજાર 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ જાહેર કર્યા હતા. આને કારણે ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ હરાજી બંધ કરી દીધી હતી. બાદમાં ભાવમાં થોડો સુધારો થયો હતો.
લગભગ અડધા કલાક બાદ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું અને હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે ભાજપના નેતૃત્વ હેઠળના કેન્દ્રને ડુંગળીની નિકાસ પરનો 20 ટકા વેરો દૂર કરવા અને ઉત્પાદકોને રાહત આપવા વિનંતી કરી હતી.
(પીટીઆઈ)