ખેડૂતોની આત્મહત્યા મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર હરફ નથી ઉચ્ચારતી: દાનવે

છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં બીડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આત્મહત્યા કરીને મૃત્યુ પામી રહ્યા છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર તેના વિશે હરફ પણ નથી ઉચ્ચારી રહી એવો દાવો ગુરુવારે વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કર્યો હતો.
બુધવારે બીડ જિલ્લાના પરલી ખાતે કૃષિ પ્રદર્શનમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની મુલાકાતનો ઉલ્લેખ કરતાં દાનવેએ બંને સરકાર પર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોવાનો ઢોંગ કરવાનો આરોપ મૂક્યો હતો.
આ પણ વાંચો: બદલાપુર પ્રકરણને લઈ ગૃહ મંત્રાલય એક્શનમાં, પોલીસ અધિકારીઓ માટે લેવાયો આ નિર્ણય
સોશિયલ મીડિયા ‘એક્સ’ પરની પોસ્ટમાં દાનવેએ જણાવ્યું હતું કે ‘સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યા બીડ જિલ્લામાં થઈ રહી છે જ્યાં શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે મુલાકાત લીધી હતી. જોકે, ચૌહાણ સહિત કોઇ પણ નેતાએ આ અંગે એક હરફ પણ નહોતો ઉચ્ચાર્યો. કેન્દ્ર અને રાજ્ય સરકારો માત્ર સંવેદનશીલ હોવાનો ઢોંગ કરે છે.’
દાનવેએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 65 પાકની 109 જાતના બિયારણ દાખલ કર્યા છે જેમાં ઓછા પાણીની જરૂર પડે છે અને ટૂંકા સમયમાં તેની લણણી થઈ શકે છે. આ બિયારણ તેમણે મહારાષ્ટ્રના ખેડૂતો માટે પણ બજારમાં ઉપલબ્ધ કરાવવું જોઈએ.
પરલીના કાર્યક્રમમાં ભાષણો દરમિયાન, નેતાઓએ ડુંગળી, સોયાબીન, કપાસ, યુરિયા અને ડીએપી સંબંધિત સમસ્યાઓ વર્ણવી હતી. સારી વાત છે કે તેમને ખેડૂતોની સમસ્યાઓનો ખ્યાલ આવવા લાગ્યો છે, પરંતુ કેન્દ્રીય કૃષિ પ્રધાને આમાંની એક પણ ચિંતાનો ઉકેલ નથી આપ્યો. (પીટીઆઈ)