આમચી મુંબઈ

સગાના અંતિમસંસ્કાર માટે જઈ રહેલા પરિવારને મોત ભેટ્યું: ત્રણનાં મૃત્યુ

નાશિક: સગાના અંતિમસંસ્કાર માટે માલેગાંવ જવા નીકળેલા ઠાકુર્લીના પરિવારને માર્ગમાં મોત ભેટ્યું હોવાની દુ:ખદ ઘટના ગુરુવારે બની હતી. પૂરપાટ વેગે દોડતી કાર નાશિકમાં રસ્તાને કિનારે પાર્ક કન્ટેનર સાથે ટકરાતાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે કિશોરી ગંભીર રીતે ઘવાઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારના મળસકે 4.30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલાઓની ઓળખ વિકાસ ચિંતામણ સાવંત (45), પત્ની અનીશા વિકાસ સાવંત (40) અને સાળી મીનાક્ષી અરુણ હિરે (53) તરીકે થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી વૈભવી પ્રવીણ જાધવ (17)ને સારવાર માટે નજીકની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

મુંબઈ-આગ્રા નૅશનલ હાઈવે પર માલેગાંવ નજીકના વાકે શિવાર ખાતે આ ઘટના બની હતી. મૃતકો થાણે જિલ્લાના ઠાકુર્લી ખાતેના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે ચારેય જણ કારમાં સગાના અંતિમસંસ્કાર માટે માલેગાંવ જઈ રહ્યા હતા. પૂરપાર દોડતી કાર હોટેલ ન્યૂ બાબા નજીક રસ્તાને કિનારે ઊભેલા ક્ધટેઈનર સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. ઘટનાની નોંધ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button