મહારાષ્ટ્રના રાજકારણમાં ફેમિલી ડ્રામા…
બાળકો, ભાઈ-ભાભી, કાકા, ભત્રીજા, જમાઈને અપાઈ ઉમેદવારી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં હાલમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ છેડાઈ ચૂક્યો છે. ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે રાજ્યમાં દરેક પક્ષોમાં ભાઈ-ભત્રીજાવાદ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના દિગ્ગજ નેતાઓએ તેમના પોતાના પરિવારના સભ્યોને ઉમેદવારી આપવાનો આગ્રહ રાખ્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ આદિત્ય ઠાકરેને અને શરદ પવારે યુગેન્દ્ર પવાર, રોહિત પવાર, ભાજપના અશોક ચવ્હાણે તેમની પુત્રી શ્રીજયા ચવ્હાણ, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન આર. આર. પાટીલના પુત્ર રોહિત પાટીલને ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે.
ઉમેદવારોની યાદીએ ફરી સાબિત કર્યું છે કે રાજકારણમાં વંશવાદને પ્રાધાન્ય આપવામાં આવે છે. આશ્ર્ચર્યની વાત એ છે કે જાહેર કરાયેલી યાદી પરથી સ્પષ્ટ થાય છે કે વંશવાદની ટીકા કરનાર ભાજપે પણ ઉમેદવારી જાહેર કરતી વખતે વંશવાદને પ્રાધાન્ય આપ્યું છે. ભાજપે નવા ચહેરાઓને વધુ તક આપી નથી. કેટલાક સ્થળોએ, આયાતી ઉમેદવારોને તક આપવામાં આવી છે. કેટલાક ઉમેદવારોનો સીધો સંબંધ ભૂતપૂર્વ વિધાનસભ્યો અને સાંસદો સાથે છે.
રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે રાજકારણમાં આ પ્રકારનો પરિવારવાદ લાંબા સમયથી સ્વીકાર્ય છે. રાજકારણીઓ પોતે પણ આવા જ પરિવારમાંથી આવતા હોવાથી તેઓ ઈચ્છે છે કે તેમના પરિવારની વ્યક્તિને જ ઉમેદવાર બનાવવામાં આવે.
આપણ વાંચો: હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિના કોંગ્રેસના આરોપોને ચૂંટણી પંચે ફગાવ્યા, ચેતવણી પણ આપી…
ભાજપમાં પણ સગાંવાદ
ભાજપની યાદીમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણે અથવા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ દાનવે જેવા રાજકીય પારિવારિક વારસો ધરાવતા લોકોનો સમાવેશ થાય છે, આ યાદી લાંબી છે. કલ્યાણ પૂર્વના ભૂતપૂર્વ વિધાનસભ્ય ગણપત ગાયકવાડની પત્ની સુલભા ગાયકવાડને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે તેમની પુત્રી શ્રીજયા ચવ્હાણને તક આપી છે. ભૂતપૂર્વ પ્રધાન અનિલ શિરોલેના પુત્ર સિદ્ધાર્થ શિરોલેને શિવાજી નગરથી ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વિધાનસભ્ય લક્ષ્મણ જગતાપની પત્નીને પેટાચૂંટણીમાં તક આપવામાં આવી હતી. હવે શંકર જગતાપને ઉમેદવારી આપવામાં આવી છે.
શંકર જગતાપ પણ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે. ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય હરિભાઉ જાવળેના પુત્ર અમોલ હરિભાઉ જાવળેને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે મુંબઈ પ્રદેશ અધ્યક્ષ આશિષ શેલારના ભાઈ વિનોદ શેલારને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટે પારિવારિક સંઘર્ષ…
એનસીપીમાં રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને તક
એનસીપી શરદચંદ્ર પવાર પાર્ટીએ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન આર. આર. પાટીલના પુત્ર રોહિત પાટીલને તક આપવામાં આવી છે. શરદ પવારે બારામતીથી પોતાના પૌત્ર યુગેન્દ્ર પવારને તક આપી છે.
યુગેન્દ્ર પવારનો સીધો મુકાબલો શરદ પવારના ભત્રીજા અજિત પવાર સાથે થઈ રહ્યો છે. આવી જ રીતે શરદ પવારના અન્ય પૌત્ર રોહિત પવારને પણ ઉમેદવારી આપવામાં આવી છે. ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ બાળાસાહેબ કુપેકરની પુત્રી નંદિની કુપેકરને પણ તક આપવામાં આવી છે. વર્તમાન સાંસદ અમર કાળેનાં પત્ની મયુરા કાળેને અરવી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
એકનાથ શિંદેની પાર્ટીની સ્થિતિ
શિવસેના એકનાથ શિંદે જૂથે સાંસદ રવિન્દ્ર વાયકરની પત્ની મનીષા વાયકરને વિધાનસભા માટે ઉમેદવારી આપી છે. ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતના ભાઈ કિરણ સામંતને ઉમેદવારી આપવામાં આવી છે.
આપણ વાંચો: વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવારની ‘યંગ બ્રિગેડ’, યુવા ચહેરાઓની સંખ્યા વધુ
ભૂતપૂર્વ સાંસદ આનંદ અડસુળના પુત્ર અભિજીત અડસુળને વિધાનસભા માટે ઉમેદવારી આપવામાં આવી છે. ભૂતપૂર્વ વિધાનસભ્ય અનિલ બાબરના પુત્ર સુહાસ અનિલ બાબરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સાંસદ સાંદિપન ભુમરેના પુત્ર વિકાસ ભુમરેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
કૉંગ્રેસમાં પણ પરિવારવાદ
કૉંગ્રેસના મુંબઈ અધ્યક્ષ અને સંસદસભ્ય વર્ષા ગાયકવાડની બહેન જ્યોતિ ગાયકવાડને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનીલ કેદારની પત્ની અનુજા કેદારને પણ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી આપવામાં આવી છે.
આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ આદિત્ય ઠાકરેના પુત્ર અને પુંડલિક મ્હાત્રેની પુત્રી નંદિની કુપેકરને તક આપી છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને ઉમેદવાર બનાવ્યા છે.