500 રૂપિયાની બનાવટી નોટો છાપનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: 500 રૂપિયાના દરની બનાવટી નોટો છાપીને બજારમાં ચલાવનારી ટોળકીને ભાયખલા પોલીસે પકડી પાડી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઉમરાન ઉર્ફે આસિફ અમર બલબલે (48), યાસિન યુનુસ શેખ (42), ભીમ પ્રસાદ સિંહ બડેલા (45) અને નીરજ વેખંડે (25) તરીકે થઈ હતી. આરોપીઓનો સાથી ખલીલ અન્સારી ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે.
આ પણ વાંચો: આ ચલણી નોટને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ભાયખલા પૂર્વમાં પાનના સ્ટૉલ નજીક બનાવટી નોટો ચલાવવા કેટલાક લોકો આવવાના હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે સિનિયર ઈન્સ્પેક્ટર ચિમાજી આઢાવના માર્ગદર્શન હેઠળ પોલીસની બે ટીમે છટકું ગોઠવ્યું હતું. બનાવટી નોટો સાથે આવી પહોંચેલા ત્રણ શખસને પોલીસે તાબામાં લીધા હતા.
આ પણ વાંચો: બનાવટી નોટો છાપનારો યુવક પનવેલમાં ઝડપાયો
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં રહેતો નીરજ વેખંડે અને તેનો સાથી ખલીલ અન્સારી બનાવટી નોટો છાપે છે. માહિતીને આધારે પોલીસની ટીમે વેખંડેને પકડી પાડ્યો હતો.
વેખંડેએ આપેલી માહિતી પરથી એક રૂમ પર રેઇડ કરવામાં આવી હતી. આ રૂમમાંથી બનાવટી નોટો છાપવાની સાધનસામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી 500 રૂપિયાના દરની 200 બનાવટી નોટો જપ્ત કરવામાં આવી હતી. રૂમમાંથી અડધી છપાયેલી નોટો પણ જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.