મુંબઈ પોલીસની ફૅક વેબસાઇટ તૈયાર કરનારી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ

મુંબઈ: મુંબઈ પોલીસ વિભાગની ફૅક વેબસાઇટ તૈયાર કરવા બદલ અજાણી વ્યક્તિ સામે મંગળવારે દક્ષિણ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર લોકોનો વિશ્ર્વાસ મેળવવા અને બાદમાં તેમને છેતરવાના ઇરાદાથી સાયબર ઠગ દ્વારા શહેર પોલીસની ફૅક વેબસાઇટ તૈયાર કરવામાં આવી હતી.
મુંબઇ પોલીસ કમિશનરેટ ઓફિસના વેબ ડેવલપમેન્ટ સેન્ટરમાં કાર્યરત સબ-ઇન્સ્પેક્ટર મનોહર વાડની ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વેબ ડેવલપમેન્ટ સેન્ટર તેમની સત્તાવાર વેબસાઇટના અપગ્રેડેશન અને મેઇન્ટેનન્સનું ધ્યાન રાખે છે.
27 નવેમ્બરે એક્સ યુઝરે મુંબઈ પોલીસને ટેગ કરીને મદદ માગી હતી અને દાવો કર્યો હતો કે તેને બે નંબર પરથી કૉલ આવ્યા હતા, જેમાં તેને આધાર કાર્ડ ફ્રોડ કેસના સંબંધમાં મુંબઈ પોલીસના આઇડી પર લોગ-ઇન કરવાનું કહેવામાં આવ્યું હતું.
દરમિયાન અધિકારીઓએ તપાસ કરતાં જાણવા મળ્યુંં હતું કે એક્સ યુઝરને કૉલરે પોતાની ઓળખ મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપીને કહ્યું હતું કે તમારા ઓળખપત્રના સરનામે અનધિકૃત આવ્યા છે અને અમે સાયબર સેલને ફરિયાદ મોકલી રહ્યા છીએ.
એક અધિકારીએ જણાવ્યું હતું કે વધુ વિગતો માટે એક્સ યુઝરને તેમની (ડુપ્લિકેટ) વેબસાઇટ પર લોગ-ઇન કરવા અને તેનું આધાર કાર્ડ મોકલવાનું કહેવામાં આવ્યું હતું. કૉલરે તેના બેન્ક ખાતાની વિગતો અને બેન્ક બેલેન્સ વિશે પણ પૂછપરછ કરી હતી. જોકે એક્સ યુઝરે તેના બેન્ક ખાતા વિશે વધુ વિગતો શૅર કરી નહોતી.
વેબ ડેવલપમેન્ટ સેન્ટરના અધિકારીઓએ વેબસાઇટની વધુ તપાસ કરી અને જાણ્યું કે ઠગોએ લોકોને છેતરવા માટે ફૅક વેબસાઇટ બનાવી હતી. ફૅક વેબસાઇટ બિલકુલ ઓફિશિયલ વેબસાઇટ જેવી દેખાય છે, કારણ કે તેમણે તેના પર મુંબઈ પોલીસનો લોગો, નામ અને વિભાગના અન્ય પેજનો પણ ઉપયોગ કર્યો હતો.