બીએઆરસીના બોગસ વિજ્ઞાનીની ધરપકડ:ગુપ્ત માહિતી વિદેશી નાગરિકોને વેચ્યાની શંકા…

મુંબઈ: ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)નો વિજ્ઞાની હોવાનો દાવો કરનારા શકમંદને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓએ જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી પકડી પાડ્યો હતો. તેની પાસેથી બીએઆરસીના બોગસ દસ્તાવેજો અને આબેહૂબ દેખાતું આઈડી કાર્ડ મળી આવ્યું હતું. આરોપીએ વિદેશી નાગરિકોને ગુપ્ત માહિતી પહોંચાડી હોવાની શક્યતાને આધારે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટે (સીઆઈયુ) ધરપકડ કરેલા આરોપીની ઓળખ અખ્તર હુસેન કુતુબુદ્દીન અહમદ (55) તરીકે થઈ હતી. શુક્રવારે કોર્ટે તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. દક્ષિણ મુંબઈના ક્રાફર્ડ માર્કેટ સ્થિત કમિશનર ઑફિસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિત અનેક સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ આરોપીની પૂછપરછ કરી રહ્યા છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને આરોપી પાસેથી બીએઆરસીનું આબેહૂબ દેખાતું આઈડી કાર્ડ અને બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા. તેણે બીએઆરસીના બોગસ સર્ટિફિકેટ પણ બનાવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. પોતે સિનિયર વિજ્ઞાની હોવાનું દર્શાવી આરોપી ખાનગી ઑપરેટરો સાથે વ્યવહાર કરવા આ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લાં અમુક વર્ષમાં આરોપી અનેક વાર વિદેશ પ્રવાસે ગયો હતો. 2004થી તેની અવરજવર ચાલુ હતી. પરિણામે તેના પર નજર રાખવામાં આવતી હતી. 2004માં તેને દુબઈથી ભારતમાં ડિપોર્ટ કરાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય ન્યુક્લીયર સિક્રેટ્સ એક આરબ રાજદૂતને વેચવાનો પ્રયાસ કરતી વખતે દુબઈ પોલીસે તેને પકડી પાડ્યો હતો. તે સમયે તેનો ભાઈ અણુ વિજ્ઞાની હોવાનો દાવો આરોપીએ કર્યો હતો, જેણે યુએઈમાં લેક્ચર પણ આપ્યાં હતાં. ડિપોર્ટ બાદ ઍરપોર્ટ પરથી સેન્ટ્રલ એજન્સીએ તેને તાબામાં લીધો હતો. જોકે રાષ્ટ્રીય સલામતીને લઈ તેની કોઈ ગુનાહિત કાર્યવાહી સ્પષ્ટ ન થતાં કેન્દ્રીય એજન્સીએ તેને છોડી મૂક્યો હતો.