Fadnavis VS Deshmukh: અનિલ દેશમુખનું મગજ ફરી ગયું છે: સમિત કદમ
દેશમુખને કથિત ઓફર આપવા આવેલા સમિત તાડુક્યો

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને આદિત્ય ઠાકરે સહિતના મહાવિકાસ આઘાડીના નેતાઓને ફસાવવા માટે ખોટા સોગંદનામા પર સહી કરવા પોતાના પર દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકી ફરી ચર્ચામાં આવનારા ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રવિવારે ‘ડીલ’ કરવા આવેલા દેવેન્દ્ર ફડણવીસના વિશ્ર્વાસુનું નામ જાહેર કર્યું હતું. સમિત કદમ નામનો વ્યક્તિ બંધ પાકીટમાં તેમની પાસે આરોપોનો ડ્રાફ્ટ લઇ આવ્યો હોવાનું દેશમુખે જણાવ્યું હતું. જોકે દેશમુખના આરોપ તદ્દન પાયાવિહોણા હોવાનું કહી સમિત કદમે તેને ફગાવી દીધા હતા.
પત્રકારો સાથે વાતચીત કરતા સમિતે જણાવ્યું હતું કે અનિલ દેશમુખે ચેનલ પર મારા અને ફડણવીસના ફોટો બતાવ્યા. તેમાં નવું કંઇ જ નથી. મારા સોશિયલ મીડિયા પર મૂકેલા ફોટો તેમણે બતાવ્યા છે. તેમણે કંઇ ખૂબ મોટી વસ્તુ શોધી કાઢી હોય એવું જાહેર કરી રહ્યા છે. આ ફોટો સામાચારપત્રોમાં પણ છપાયા છે. પોતે એનડીએના સાથી પક્ષ હોવાનું જણાવતા કદમે જણાવ્યું હતું કે 2016થી જનસુરાજ્ય શક્તિ એ સ્વતંત્ર પક્ષ છે અને હું તેનો મહારાષ્ટ્ર એકમનો અધ્યક્ષ છું. અમે એનડીએના સાથી પક્ષ બન્યા ત્યારે અમને વિવિધ વિષયો પર બેઠક, કાર્યક્રમો માટે આમંત્રણ અપાતું. એ દરમિયાન જ અમે ફડણવીસ અને અન્ય નેતાઓને મળ્યા હતા. એ કોઇ મોટો વિષય નથી.
આ પણ વાંચો : Fadnavis VS Deshmukh: દેશમુખના સમર્થનમાં આવી કૉંગ્રેસ અને ઉદ્ધવ જૂથના નેતાએ કહ્યું…
પોતે દેશમુખને પણ ઓળખતા હોવાનું જણાવતા કદમે કહ્યું કે તે અન્ન-નાગરિક પુરવઠાના પ્રધાન હતા તયરથી હું તેમને ઓળખું છે તે કદાચ તે ભૂલી ગયા છે. દેશમુખનું મગજ ફરી ગયું છે એ સિવાય હું કંઇ કહી શકું નહીં. ત્રણ વર્ષ દેશમુખ શું કરી રહ્યા હતા?
શિંદેની પહેલા મારા પર પ્રયોગ ‘ટ્રાય’ કરાયો: દેશમુખ
દેશમુખે વધુ એક મોટો દાવો કરતા જણાવ્યું હતું કે બે વર્ષ પૂર્વે શિવસેનામાં બળવો થયો અને એકનાથ શિંદે સાથે 40 વિધાનસભ્યો ભાજપ સાથે મહાયુતિમાં સામેલ થયા અને રાજ્યમાં સત્તા બદલાઇ. આ બધુ દેવેન્દ્ર ફડણવીસે જ કર્યું છે. જોકે, એકનાથ શિંદે પર આ પ્રયોગ કરાયો એ પહેલા મારા પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જો મેં સોગંદનામા પર સહી કરી હોત તો ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં આવત અને આદિત્ય ઠાકરેને ખોટા આરોપોના કારણે જેલમાં જવું પડ્યું હોત. જેલમાં જાઓ અથવા ભાજપમાં આવો, એ તેમની યોજના હતી. મારા પર પ્રયોગ સફળ ન થયો તો પછી બીજો પ્રયોગ એકનાથ શિંદે પર કરવામાં આવ્યો, જે સફળ થયો. જો મારા પર પ્રયોગ સફળ થયો હોત તો ત્યારે જ ઉદ્ધવ ઠાકરેની સરકાર સત્તાબહાર થઇ હોત.