બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા મહાયુતિના પક્ષોની ચર્ચા બાદ ઘડાશે: ફડણવીસનો યુટર્ન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એવી સ્પષ્ટતા કરી હતી કે મહાયુતિના સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ જ લોકસભાની બેઠકોની વહેંચણી અંગેનો ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે એક જ દિવસ પહેલાં તેમણે એવી જાહેરાત કરી હતી કે ભાજપ લોકસભાની 48માંથી 26 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખશે. ગણતરીના કલાકોમાં જ તેમણે ફેરવી તોળ્યું હોવાનું જણાઈ આવ્યું હતું.
તેમણે નાગપુરમાં એમ પણ કહ્યું હતું કે બેઠકોની વહેંચણીનો ફોર્મ્યુલામાં સંબંધિત પક્ષ દ્વારા અગાઉ લડવામાં આવેલી બેઠકો મળવી જોઈએ એનો આધાર રાખવામાં આવશે.
મહાયુતિના સાથી પક્ષોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના, અને અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીનો ભાજપની સાથે સમાવેશ થાય છે.
સાથી પક્ષો સાથે હજી આ મુદ્દે ચર્ચા ચાલુ થવાની બાકી છે. ચર્ચાઓ પછી જ બેઠકોની વહેંચણનો ફોર્મ્યુલા ઘડી કાઢવામાં આવશે. ફોર્મ્યુલાનો પાયાનો સિદ્ધાંત એ હશે કે જે મતદારસંઘમાં જેઓ પહેલાં લડી ચૂક્યા છે ત્યાં તેમને સ્થાન મળવું જોઈએ, એમ ફડણવીસે કહ્યું હતું.
આ પહેલાં ફડણવીસે એમ કહ્યું હતું કે લોકસભાની 48 બેઠકોમાંથી 26 ભાજપ લડશે અને સાથી પક્ષો બાકીની 22 બેઠકો પર લડશે.
ફડણવીસે કહ્યું હતું કે બેઠકોની વહેંચણીનો ફોર્મ્યુલા જડ નહીં હોય. અમે આવશ્યકતા મુજબ સાથી પક્ષો સાથે ચર્ચા કરીને તેમાં બાંધછોડ કરીશું.
ભાજપ અને શિવસેનાની યુતિએ લોકસભાની 41 બેઠકો પર ઉમેદવારી કરી હતી અને તેમાંથી ભાજપે 23 પર વિજય મેળવ્યો હતો અને શિવસેનાને 18 બેઠક પર વિજય મળ્યો હતો.
દરમિયાન ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય સરકાર કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોની સહાય કરશે. સંબંધિત જિલ્લાના અધિકારીઓને પાકને થયેલા નુકસાનની પ્રાથમિક આકારણી કરીને અહેવાલ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. સરકાર ખેડૂતોને ચોક્કસ મદદ કરશે, એમ પણ ફડણવીસે કહ્યું હતું.