ઉદ્ધવ ઠાકરેએ જનાદેશ ચોરી લીધો, તેથી લોકોએ ઘરે બેસાડ્યા: દેવેન્દ્ર ફડણવીસનો ઉદ્ધવને જવાબ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જન આક્રોશ યાત્રા દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મને તેમની દયા આવે છે. તેમણે ફડણવીસને ચોરોના વડા પણ ગણાવ્યા હતા. ભાજપ એટલે ભ્રષ્ટ જનતા પાર્ટી એમ પણ કહ્યું હતું. આ વિશે પૂછવામાં આવતા, દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને જનાદેશ ચોર કહ્યા હતા.
વિપક્ષના લોકોને ભારતીય બંધારણ અને ભારતીય ન્યાયતંત્રમાં કોઈ વિશ્ર્વાસ રહ્યો નથી. બંધારણ દ્વારા બનાવવામાં આવેલા ચૂંટણી પંચે તેમને ચાર પત્રો આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ જે કહી રહ્યા છે તે શપથ પર કહે. જે લોકો આરોપો લગાવી રહ્યા છે તેઓ કેમ જતા નથી? તેમની પાસે હિંમત કેમ નથી? તેઓ પુરાવા કેમ નથી આપતા? તેઓ ભાગેડુ છે જે દરરોજ જૂઠું બોલે છે અને ભાગી જાય છે. તેમની (કોંગ્રેસની) સ્થિતિ એવી છે કે તેઓ સહન પણ કરી શકતા નથી અને જે હાર થઈ રહી છે તે વિશે કહી પણ શકતા નથી.
આ પણ વાંચો: દિલ્હીમાં ‘અપમાન’ બાદ ઉદ્ધવ ઠાકરે ઇન્ડિ ગઠબંધન છોડશે? મહારાષ્ટ્રમાં નવા સમીકરણના સંકેત
ઉદ્ધવ ઠાકરે અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે, ‘અમે લોકોનો પ્રેમ ચોરીએ છીએ, તેમના હૃદય ચોરીએ છીએ, તેથી જ લોકો આપણને મત આપે છે. ઉદ્ધવ ઠાકરેએ જનાદેશ ચોરી લીધો હતો. ઉદ્ધવ ઠાકરે તો જનાદેશના ચોર છે, તેથી જ લોકોએ તેમને ઘરે બેસાડી દીધા છે. લોકશાહીમાં જનાદેશ ચોરો આપણને કેવી રીતે વર્તવું તેનો પાઠ ભણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે? તેઓ જનાદેશ ચોર છે અને તેમના અનુયાયીઓ ખુલ્લેઆમ કફન ચોર છે. કારણ કે તેમના અનુયાયીઓએ કફન ખરીદીમાં પણ ચોરી કરી છે. તેઓએ તેમાંથી પણ પૈસા કમાણા છે. હવે શું ઉદ્ધવ ઠાકરેને કફન ચોરોનો નેતા કહેવા જોઈએ? મને આવી ભાષાનો ઉપયોગ કરવાનું પસંદ નથી.’ એમ પણ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેની ટીકાનો જવાબ આપતાં કહ્યું હતું.
જન આક્રોશ જેવું કંઈ નથી, આ મનમાં ગુસ્સો છે. સત્તા ગુમાવી દીધી છે, ખુરશી ગુમાવી દીધી છે, તેથી મનને રુચતું નથી એવી ટિપ્પણી પણ દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.