
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિકાસના મુદ્દે વિપક્ષ સરકારની બરાબરી કરી શકતી નથી એટલે દર વખતે ચૂંટણી આવે તેની પહેલાં ફેક નેરેટિવ (ખોટા નિવેદનો) ફેલાવવાનું ચાલુ કરી દેવામાં આવે છે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું.
વર્ધામાં રાજ્યના વિદર્ભ ક્ષેત્રના ભાજપના કાર્યકર્તાઓને સંબોધતાં તેમણે તાજેતરમાં જ મંજૂર કરવામાં આવેલા મહારાષ્ટ્ર જનસુરક્ષા બિલની પ્રશંસા કરીને ભારપુર્વક જણાવ્યું હતું કે આનો વિરોધ કરનારા 99 ટકા લોકોએ કાયદો વાંચ્યો પણ નથી.
‘અમે 2014થી રાજ્યના દરેક શહેરનો ચહેરોમહોરો બદલી નાખ્યો છે.
આપણ વાંચો: ‘બાળાસાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું’: રાજ ઠાકરે
અહીં ધ્યાનમાં રાખવું જોઈએ કે વિકાસના મુદ્દા પર આપણા વિરોધીઓ આપણી સાથે સ્પર્ધા કરી શકતા નથી. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા વિકાસની સ્પર્ધા કરી શકતા નથી. તેથી, તેઓ દરરોજ ખોટી માહિતી ફેલાવવાનું (ફેક નેરેટિવ) અભિયાન ચલાવે છે અને ખોટી વાતો ફેલાવે છે,’ એમ ફડણવીસે કહ્યું હતું.
વિપક્ષ વિકાસ સંબંધી મુદ્દાઓ પર ચર્ચા કરવા માગતો નથી, કારણ કે આ પક્ષો જાણે છે કે લોકો તેમને પૂછશે કે જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે તેમણે શું કર્યું હતું. મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યુરિટી બિલનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે વિપક્ષ ફેક નેરેટિવ ફેલાવી રહ્યું છે કે તે ગેરબંધારણીય છે અને લોકોના અવાજને દબાવવા માટે છે.
‘સરકારે બિલના સંદર્ભમાં એક સમિતિની રચના કરી હતી, જેમાં તમામ પક્ષોના નેતાઓનો સમાવેશ થતો હતો. ચર્ચા પછી વિધાનસભામાં બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. જોકે, તેમાંથી કેટલાકને હાઇકમાન્ડ તરફથી ઇન્જેક્શન મળ્યા બાદ કેટલાક પોપટ બિલ વિરુદ્ધ બોલવા લાગ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: વિજય રેલી નહીં, રૂદાલી સભા હતી! રાજ-ઉદ્ધવના મિલન પર દેવેન્દ્ર ફડણવીસે કર્યો વળતો પ્રહાર
‘અર્બન નક્સલીઓ’ અને અરાજકતા ફેલાવવાની અને લોકોને બંધારણ વિરુદ્ધ ઉશ્કેરવાની યોજના બનાવનારાઓ સામે કાર્યવાહી કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.
‘જે રાજ્યોમાં આવા બિલ રજૂ કરવામાં આવ્યા હતા, ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યા પછી શહેરી નક્સલીઓએ મહારાષ્ટ્રને પોતાનું કેન્દ્ર બનાવ્યું હતું. હું ખાતરી આપી શકું છું કે બિલ વિરુદ્ધ બોલનારા 99 ટકા લોકોએ તે વાંચ્યું પણ નથી, પરંતુ આ વ્યક્તિઓ ફેક નેરેટિવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ (સ્થાનિક સંસ્થા) ચૂંટણી પહેલા આવા નેરેટિવ ચલાવતા રહેશે,’ એમ તેમણે કહ્યું હતું.
લોકસભાની ચૂંટણી દરમિયાન વિપક્ષે એમ કહ્યું હતું કે, ભાજપ બંધારણમાં ફેરફાર કરવા માગે છે, પરંતુ નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી (જેમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ વ્યાપક જીત મેળવી હતી) દરમિયાન તેઓ આવા ફેક નેરેટિવ ચલાવવામાં નિષ્ફળ ગયા હતા, એમ તેમણે કહ્યું હતું.
‘તેઓ વિકાસ પર ચર્ચા ઇચ્છતા ન હોવાથી, તેઓ ભાષા, જાતિ વગેરેનાં નેરેટિવ લાવશે. આગામી બે મહિનામાં તેઓ એવા નેરેટિવ લાવશે જેનો લોકોની પ્રગતિ સાથે કોઈ સંબંધ નથી,’ એમ ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું.
‘આના કારણે ઘણી પાર્ટીઓ ખતમ થઈ ગઈ છે’
વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિદર્ભના કાર્યકરોના કામની પ્રશંસા કરીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટેની તૈયારીમાં લાગી જવા અને ચૂંટણી દરમિયાન પક્ષના આંતરિક વિવાદો અને જૂથવાદ ટાળવા જણાવ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિશે બોલતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, મને લાગે છે કે આપણે હવે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આ ત્રણે ચૂંટણીઓ એક પછી એક આવશે. જિલ્લા પરિષદ કે નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા યોજાશે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ અંતમાં યોજાશે. 2017માં, ત્રણ તબક્કામાં આવી જ રીતે ચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટણી પંચ આ ચૂંટણીઓ પણ એવી જ રીતે કરશે.
લોકો આપણને ચૂંટી આપવા માટે તૈયાર છે, પરંતુ ભાજપમાં ઘણા જિલ્લાઓમાં વિવાદો છે. કેટલીક જગ્યાએ, નેતાઓ વચ્ચે વિવાદો છે, અને કેટલીક જગ્યાએ, કાર્યકરો વચ્ચે વિવાદો છે. આ વિવાદો ખૂબ મોટા નથી. પક્ષ એક પરિવાર છે, પરિવારમાં ઓછું-વત્તું આવું ચાલ્યા કરતું હોય છે, પરંતુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ, બધાએ એકસાથે રહેવું જોઈએ, સાથે બેસીને વિવાદોનો અંત લાવવો જોઈએ.
જુઓ, આંતરિક દુશ્મનાવટને કારણે ઘણા પક્ષો ખતમ થઈ ગયા છે. આવી બાબતો આપણી પાર્ટીમાં ન થવી જોઈએ. યાદ રાખો કે જો કોઈ પક્ષને ખાડામાં પાડવા જઈ રહ્યું છે, તો પક્ષ તેને ખાડામાં ધકેલી દેશે, એવી ચેતવણી દેવેન્દ્ર ફડણવીસે કાર્યકરોને આપી હતી.