મુંબઈમાં દર વર્ષે 50 કિ.મી.ની મેટ્રો લાઈન શરૂ કરો, બધા જ મેટ્રોનું નવું ટાઈમટેબલ નક્કી કરો: ફડણવીસ

મુંબઈ: મુંબઈ શહેર અને ઉપનગરોમાં કનેક્ટિવિટી સુધારવા અને રોડ ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે મુંબઈ અને મુંબઈ ઉપનગરોમાં વિવિધ મેટ્રો પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મેટ્રો પ્રોજેક્ટ્સ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટી દ્વારા ચાલી રહેલા કામોની શનિવારે સમીક્ષા કરી હતી.
સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ની સમીક્ષા બેઠક શનિવારે યોજાઈ હતી. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે દરેક મેટ્રો લાઇનની સમીક્ષા કરી હતી. મુંબઈ ઉપનગરોમાં હાલમાં ચાલી રહેલા તમામ મેટ્રો કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે નવું શેડ્યૂલ તૈયાર કરો. કાર્યોમાં વિલંબ ચાલશે નહીં. ઘણી જગ્યાઓ કાર શેડ વગર પણ મેટ્રો ચાલી રહી છે, તેથી મેટ્રો માટે આની રાહ જોશો નહીં. વિશ્ર્વમાં આવા પ્રયોગો થઈ રહ્યા છે, તેનો અભ્યાસ કરો, ભવિષ્યની તમામ સંભવિત મેટ્રો પ્રોજેક્ટ્સની સમીક્ષા કરો, કાર શેડ માટે અત્યારથી જ જગ્યા અનામત રાખો, એવો આદેશ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો.
આ પણ વાંચો: એકનાથ શિંદેએ બુલેટ ટ્રેનના દિવા સ્ટેશનને થાણે સાથે જોડવા માટે નવી મેટ્રો લાઇનની જાહેરાત કરી
આ ઉપરાંત ફડણવીસે આ વર્ષે 22 (બાવીસ) કિલોમીટરની મેટ્રો શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. મેટ્રો-3 તેમાં વધુ 20-25 કિમીનો ઉમેરો કરશે, એટલે કે આ વર્ષે મુંબઈમાં કુલ 50 કિ.મી.નું મેટ્રો નેટવર્ક લંબાવવામાં આવશે. ફડણવીસે એમએમઆરડીએને ટાર્ગેટ આપતા કહ્યું હતું કે, આવતા વર્ષથી દર વર્ષે 50 કિ.મી. મેટ્રો શરૂ કરવામાં આવે તે સુનિશ્ર્ચિત કરો.
ફડણવીસે ઈન્દુ મિલમાં ડો. બાબાસાહેબ આંબેડકરના સ્મારક અને શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના સ્મારકના કામની પણ સમીક્ષા કરી હતી. અધિકારીઓને હવે આ બંને પ્રોજેક્ટના વાર્ષિક જાળવણી માટે પ્લાન તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.