ફડણવીસ-પવારનો જન્મદિવસઃ મોદીએ પાઠવી શુભેચ્છા, પણ એકનાથ શિંદેની પોસ્ટ પર સૌની નજર...

ફડણવીસ-પવારનો જન્મદિવસઃ મોદીએ પાઠવી શુભેચ્છા, પણ એકનાથ શિંદેની પોસ્ટ પર સૌની નજર…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોનું રાજકારણ હોવાથી દરેક ઘટનાને રાજકીય રીતે જોવામા આવે છે ત્યારે આજે રાજ્યના ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો જન્મદિવસ છે. દેવેન્દ્રનો 56મો જ્યારે પવારનો 67મો જન્મદિવસ છે. આ બન્નેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે, પરંતુ શિવસેનાના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શુભેચ્છાની ચર્ચા ચાલી રહી છે.
સરકાર રચાઈ ત્યારથી જ એકનાથ શિંદે નારાજ હોવાના અહેવાલો આવતા રહે છે. ત્યારે શિંદેએ બન્નેની બેમોઢે પ્રશંસા કરી છે. શિંદેએ મરાઠી પંક્તિ લખી છે અને બન્ને માટે કેટલાય વિશેષણો વાપર્યા છે.

સૌપ્રથમ તો તેમણે બન્નેનો સાથ હંમેશા રહે તેવી પ્રાથર્ના કરતી પંક્તિ લખી છે
विश्वासाचा हात असू दे, मैत्रीचा सहवास असू दे, महाराष्ट्राच्या उध्दाराचा रात्रंदिन हा ध्यास असू दे
અને ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસ માટે લાંબી પોસ્ટ લખી છે. તેમણે લખ્યું છે કે મહારાષ્ટ્રની વિકાસના શિલ્પકાર મહાન નેતા, માનનીય મુખ્યમંત્રી દેવેન્દ્રજી ફડણવીસને જન્મદિવસની શુભકામનાઓ!

મહાયુતિના એક મહાન મિત્ર અને સાથીદાર જે પોતાના બધા સાથીદારોને મજબૂતીથી આગળ લઈ ચાલનારા, લોકોનો અવાજ ઉઠાવનાર નેતા, મહારાષ્ટ્રની સમૃદ્ધિ યાત્રામાં મજબૂત ડગ માંડી હંમેશા આગળ રહેનારા મુખ્યમંત્રી, એક સારા પ્રશાસક, અર્થશાસ્ત્રી અને કાયદાનું જ્ઞાન ધરાવતા બુદ્ધિશાળી વ્યક્તિ અને વિઝનરી નેતા. મિત્ર દેવેન્દ્રજી, તમને લાંબુ અને સ્વસ્થ જીવન મળે, એ જ ભગવાનને મારી પ્રાર્થના છે!

સો વર્ષ જીવો
ત્યારબાદ તેમણે અજિત પવારને શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે મહાયુતિને સમર્થન પી મજબૂત બનાવનારા નાયબ મુખ્યમંત્રી. અજિતદાદા પવારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! અર્થશાસ્ત્ર પર અસાધારણ પકડ ધરાવતા મહાન પ્રશાસક, વિકાસના સતત સાથી, મહારાષ્ટ્રના વિકાસની આકાંક્ષા રાખનારા, સંવેદનશીલ અને સમયના પાબંદ નેતા આપણા અજિતદાદા છે. મહારાષ્ટ્રના વિકાસ પહેલાં કંઈ જ ન આવે તેવી ગાંઠ બાંધીને ચાલનારા આ મિત્રને લાંબુ અને સ્વસ્થ જીવન મળે, ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે!

સો વર્ષ જીવો:!!
શિંદેની શુભેચ્છાની ચર્ચા બધે જ ચાલી રહી છે. અગાઉ મુખ્ય પ્રધાન પદ પર રહેલા શિંદેને 2024ની વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ મુખ્ય પ્રધાનપદ સહિતની ઈચ્છાઓ સાથે સમાધાન કરવું પડ્યું છે અને ઘણી બાબતોથી તેઓ નારાજ હોવાનું બહાર આવ્યું છે ત્યારે તેમણે કરેલી આ પ્રસંશા માત્ર ઔપચારિકતા છે કે પછી ત્રણેય વચ્ચે આટલો પ્રેમ અને સમન્વય છે તે તો આવનાર સમય જ કહેશે. મહારાષ્ટ્ર રાજ્ય જેટલી જ રસાકસીવાળી મુંબઈ મહાનગરપાલિકની ચૂંટણી આવી રહી છે, તે પહેલા રાજ્યમાં નવા રાજકીય સમીકરણો રચાય તેવી પૂરી સંભાવના છે, પણ આજના દિવસ પૂરતું તો કહી શકાય કે મહારાષ્ટ્ર મહાયુતિમાં બધુ ઠીક ચાલે છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button