મહારાષ્ટ્ર સરકાર યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી બનાવશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વહીવટીતંત્રને એવો નિર્દેશ આપ્યો હતો કે યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (યુએમટીએ)ની સ્થાપના કરવામાં આવે જેથી શહેરમાં નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે વિવિધ પરિવહનના સાધનોના સંકલિત વિકાસ થઈ શકે. એક બેઠકને સંબોધતાં તેમણે એવું સૂચન કર્યુંં હતું કે આ ઓથોરિટી બનાવવાનો અંતિમ નિર્ણય લોકો પાસેથી સૂચનો અને વાંધા-વિરોધ મગાવ્યા બાદ લેવામાં આવશે.
મહાનગરમાં ટ્રાફિક જૅમની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સરકાર વિવિધ સ્તરે કામ કરી રહી છે. નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે નાગરી પરિવહન સેવાઓમાં આમૂલ પરિવર્તનની આવશ્યકતા છે, એમ જણાવતાં તેમણે યુએમટીએની સ્થાપનાની ભલામણ કરી હતી. અત્યારે શહેરના વિવિધ ભાગોમાં પરિવહન સેવાઓ મહાનગરપાલિકા, રાજ્ય પરિવહન નિગમ, રેલવે અને મેટ્રો રેલ ઓથોરિટી દ્વારા ચલાવવામાં આવી રહી છે.
પ્રવાસી કેન્દ્રીત પરિવહન સેવાની આવશ્યકતા છે અને મહાનગરોમાં પરિવહન સેવાના વિકાસ અને વિસ્તરણ માટે યુએમટીએના ગઠનની આવશ્યકતા છે. આ ઓથોરિટીના માધ્યમથી વિવિધ પરિવહન સેવામાં સમાન દરો નિર્ધારિત કરવાની સરળતા રહેશે એમ તેમણે કહ્યું હતું.