
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અનુકરણ કરીને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં સરકારની છબી સુધારવા માટે કેટલાક પ્રધાનોનાં રાજીનામાં લેશે એવી વાતો સાંભળવા મળી રહી છે.
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કેટલાક પ્રધાનોને કેબિનેટમાંથી પડતા મૂકે તેવી શક્યતા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે મુખ્ય પ્રધાન કૌભાંડોના આરોપી અને વિવાદાસ્પદ નિવેદનોથી મુશ્કેલી ઊભી કરી રહેલા પ્રધાનોનું રાજીનામું લેશે. નવી સરકારની રચનાને હજી તો માંડ છ મહિનાથી થોડો વધુ સમય થયો છે. આટલા સમયગાળામાં ઘણા પ્રધાનો વિવાદોમાં ફસાયેલા છે. શિવસેનાના નેતાઓની સંખ્યા સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટનો પૈસા ભરેલી થેલીનો વીડિયો સામે આવ્યો હતો. આ કારણે શિરસાટ વિવાદાસ્પદ બન્યા. સંજય શિરસાટે પોતે માહિતી આપી હતી કે તેમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે. ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ કદમની માલિકીના બારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાં બારબાળા અશ્લીલ નૃત્ય કરતા જોવા મળ્યા. આ બધા નેતાઓ શિવસેનાના છે.
આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની પાંખો કાપી નાખી…
બીજી બાજુ, એનસીપીના માણિકરાવ કોકાટે સતત વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. વિધાન પરિષદમાં કામ કરતી વખતે તેમનો રમી રમતો એક વીડિયો સામે આવ્યો હતો. આ બધા પ્રધાનોને કારણે મહાયુતિ સરકાર બદનામ થઈ છે. આની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીના દેખાવ પર પડી શકે છે.
શિવસેનાના પ્રધાનો સંજય શિરસાટ, સંજય રાઠોડ, ભરત ગોગાવલે, યોગેશ કદમને રાજીનામું આપવાનું કહી શકાય છે. આ ચાર સાથે, એનસીપીના માણિકરાવ કોકાટે, નરહરિ ઝિરવાળ પણ તેમનું પ્રધાનપદ ગુમાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપને માટે મુશ્કેલી સર્જનારા, મુખ્ય પ્રધાનના ખૂબ નજીકના ગિરીશ મહાજનને પણ પદ છોડવું પડી શકે છે. જળ સંસાધન પ્રધાન મહાજનને સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: બીએમસીની ચૂંટણી પહેલા મંત્રાલયમાં ચાલે છે ફાઈલ-વૉર? ફડણવીસ અને શિંદે આમને સામને
વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પ્રધાન બનાવીને અધ્યક્ષપદ બીજા કોઈને આપીને તેમની સામેની ફરિયાદો દૂર કરવામાં આવી શકે છે. સુધીર મુનગંટીવારને તેમના સ્થાને વિધાનસભા અધ્યક્ષ બનવાની તક મળી શકે છે. મુનગંટીવાર છેલ્લા બે સત્રોથી ખૂબ જ આક્રમક બન્યા છે. તેઓ વિવિધ મુદ્દે સરકારને આડે હાથ લઈ રહ્યા છે. ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારમાં મુનગંટીવારને પ્રધાનપદ આપવામાં આવ્યું નહોતું. ત્યારથી, તેમણે વિધાનસભામાં સરકાર માટે વારંવાર મૂંઝવણ ઊભી કરી છે. તેમણે ગૃહમાં વિરોધ પક્ષના નેતાને છાજે એવું વર્તન કર્યું છે.