હૉસ્પિટલમાંથી પાછા ફરેલા એકનાથ શિંદેને મળવા પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી સરકારના ગઠન માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે મંગળવારે અચાનક જ રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ થતાં આખા રાજ્યની ચિંતામાં વધારો થયો હતો, પરંતુ તેમની હાલત ગંભીર ન હોવાનું જણાવવામાં આવ્યું હતું અને સાંજ પહેલાં તો તેમને રજા પણ આપી દેવામાં આવી હતી.
આ પણ વાંચો : કૉંગ્રેસે વિપક્ષી એકતા સુનિશ્ચિત કરવી જોઈએ: શિવસેના (યુબીટી)…
એકનાથ શિંદેએ હોસ્પિટલમાંથી નીકળતાં પત્રકારોને એવી માહિતી આપી હતી કે હું ફક્ત આરોગ્યની તપાસ માટે અહીં આવ્યો હતો. મારી તબિયત સારી છે. ત્યાંથી તેઓ થાણેના પોતાના ઘરે જવાને બદલે સીધા વર્ષા બંગલો પર આવ્યા હતા.
શિવસેનાના નેતા ઉદય સામંતે એવી માહિતી આપી હતી કે શિંદેની ટેસ્ટ કરવામાં આવી હતી અને ડેન્ગ્યુ નેગેટિવ હોવાનું જણાયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સાવચેતીના પગલાંરૂપે તેમનો એમઆરઆઈ પણ કાઢવામાં આવ્યો હતો.
દરમિયાન મુખ્ય પ્રધાનપદના દાવેદાર દેવેન્દ્ર ફડણવીસ રખેવાળ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની તબિયતના ખબર કાઢવા માટે વર્ષા બંગલો પર પહોંચ્યા હતા. જોકે, તેમની મુલાકાતમાં શું ચર્ચા થઈ તે જાણવા મળ્યું નહોતું. બીજી તરફ એકનાથ શિંદે શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહેશે કે નહીં એવા સવાલનો જવાબ આપતાં શિવસેનાના નેતા ભરતશેઠ ગોગાવલેએ કહ્યું હતું કે ભાજપની વિધિમંડળ પક્ષની બેઠકનો નિર્ણય થઈ જાય પછી શિંદે જવાના છે.
આ પહેલાં ઉદય સામંતે કહ્યું હતું કે એકનાથ શિંદે હાજર રહેશે કે નહીં તે ડૉક્ટર નક્કી કરશે.
આ બધા વચ્ચે કેન્દ્રીય નિરીક્ષક વિજય રૂપાણી મુંબઈ આવી પહોંચ્યા હતા અને એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે રાજ્યમાં સૌથી મોટો પક્ષ ભાજપ ઠર્યો છે અને ભાજપનો મુખ્ય પ્રધાન હોય એમાં એકનાથ શિંદેને કોઈ વાંધો નહીં હોય. મારી હજી સુધી તેમની સાથે કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ ભાજપનો જ મુખ્ય પ્રધાન હશે.
આ પણ વાંચો : પોલીસની મધ્યસ્થી બાદ માલશિરસ ગામમાં વિધાનસભાની ફેર-ચૂંટણી રદ
બીજી તરફ ખાતાની વહેંચણી અંગે સોમવારે થનારી ચર્ચા એકનાથ શિંદે બીમાર હોવાથી થઈ શકી નહોતી તે બુધવારે અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં થઈ શકે છે. ખાનગી કાર્યક્રમ માટે સોમવારે દિલ્હી ગયેલા અજિત પવાર દિલ્હીમાં અમિત શાહને મળશે એવું કહેવાઈ રહ્યું હતું. બુધવારે સવારે તેઓ મુંબઈ પાછા ફરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને ત્યારે આ ત્રણેય નેતાની બેઠકમાં પ્રધાનપદાંની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે.