પવાર સાથેની મુલાકાત બાદ મુખ્યમંત્રી ફડણવીસ સાથેની મુલાકાત: રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શરદ પવારને મળ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા દોડી ગયા હોવાથી રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાઈ રહી હોવાનું ચિત્ર નિર્માણ થયું હતું. જોકે, એકનાથ શિંદેની કચેરી તરફથી એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસનો જન્મદિવસ હોવાથી શિંદે તેમને શુભેચ્છા આપવા ગયા હતા.
જોકે, શરદ પવારની મુલાકાત બાદ તરત આ બેઠક થઈ રહી હોવાથી તેનું મહત્વ વધી ગયું હતું. મુખ્ય પ્રધાન અને શરદ પવાર સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મળ્યા હતા. આ બેઠક બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાગર બંગલોમાં ગયા હતા અને દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. રાજકીય દૃષ્ટિએ આ મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવે છે. અનામત મુદ્દે ચર્ચા બાદ હવે રાજકીય મુલાકાતો અને બેઠકોનો દોર શરૂ થયો છે.
આ પન વાચો : વિધાનસભાની ચૂંટણી પહેલાં શરદ પવાર અને મુખ્યપ્રધાનની મુલાકાત: રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ
દેખીતી રીતે તો શરદ પવાર અને એકનાથ શિંદેની મુલાકાત રાજ્યના વિવિધ પડતર મુદ્દાઓને ઉકેલવા માટે થઈ હતી, પરંતુ ઓબીસી નેતા છગન ભુજબળની શરદ પવાર સાથેની મુલાકાતને સાંકળીને જોવામાં આવે તો આ બેઠકમાં મરાઠા અનામતના મુદ્દે રાજ્યમાં બે સમાજો વચ્ચે ઊભી થયેલી તંગદિલી ભરી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવામાં શરદ પવાર રસ લઈ રહ્યા હોય એવી શક્યતા રહેલી છે.
બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલાં આ મુદ્દો ઉકેલવો કે તેને વકરાવવો તે સ્ટ્રોન્ગ મરાઠામેનના હાથમાં હોવાનું કહેવાઈ રહ્યું છે એટલે રાજકીય દૃષ્ટિએ આ મુલાકાતો મહત્ત્વની માનવામાં આવે છે.