ભાજપ સાથે ઠાકરે જૂથ ગઠબંધનના સવાલ અંગે ફડણવીસે આપ્યું મોટું સ્ટેટમેન્ટ

મુંબઈ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના શું ફરી ગઠબંધન કરશે કે નહીં એ બાબતની ચર્ચા શરૂ થઈ છે. જોકે શિવસેના-ભાજપની યુતિને લઈને ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે.
ફડણવીસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઉદ્ધવ જૂથ અને ભાજપની યુતિ શક્ય નથી. રાજકારણમાં મતભેદ હોય એ સ્વાભાવિક બાબત છે, તેને જોડવું સહેલું હોય છે. તેમની (ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા) અને અમારી વચ્ચે કોઈ મુદ્દા અંગે મતભેદ હોય તો એક કોમન ગ્રાઉન્ડ પર સાથે આવી શકીએ, પણ અમારું મન દુઃખી છે. આ માત્ર રાજકીય મતભેદ નથી, પણ રોજ તેઓ વડા પ્રધાન મોદીને ગાળો આપે છે, આવું તો અમારા વિરોધીઓ પણ કરતાં નથી, તેથી અમે એકસાથે જઈએ એવો કોઈ સવાલ ઊભો થતો નથી, એમ તેમણે જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે જૂથે એક બે વખત મોદીના વખાણ કર્યા હશે એ ખબર નથી, પણ જ્યાં સુધી તેઓ દસથી 20 ગાળો પીએમ મોદીને આપે નહીં ત્યાં સુધી તેમનું પેટ ભરાતું નથી. તેમણે જ પોતાનો રસ્તો અલગ નક્કી કર્યો છે અને અમે અમારો, એમ ભાજપ-ઠાકરે જૂથના ફરી એકસાથે આવવાનાં સવાલનો જવાબ ફડણવીસે આપ્યો હતો.
આ મુદ્દે ફડણવીસે કહ્યું હતું કે મિત્ર વચ્ચે જો કોઈ વાતને લઈને વિવાદ હોય તો ફોન ઉપાડીને વાત કરવાની હિંમત હોવી જોઈએ. ગઠબંધનની વાત શરૂ થઈ હતી ત્યારે ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવું હતું. પાંચ વર્ષ સુધી હું સીએમ હતો અને એ વખતે ઉદ્ધવ ઠાકરે મારા મિત્ર હતા.
પહેલા તેમની સાથે વાત થતી હતી, પણ જ્યારે ગઠબંધનની વાત થઈ ત્યારે તેમણે મને કઈ પણ જણાવ્યું નહીં. હવે તેઓ મારા મિત્ર છે કે એ બાબતે પણ પૂછવું પડશે. અમે માત્ર મળીએ ત્યારે માત્ર એક બીજાને પ્રણામ કરીયે છીએ એવું કહી ફડણવીસે ઉદ્ધવ ઠાકરે જૂથ અને ભાજપ હવે ફરી ક્યારેય સાથે નહીં આવે એના અંગે સ્પષ્ટતા કરી હતી.