પ્રધાનોને પાણીચું પકડાવવામાં ફડણવીસની લાચારી કે ગણતરી?
રાજ્યના વિવાદાસ્પદ પ્રધાનો સામે ક્યારે કાર્યવાહી થશે એની ખાતરીલાયક માહિતી મળી

એકનાથ શિંદેને દિલ્હીનું રક્ષણ હોવાની અટકળો સાચી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના વિવાદાસ્પદ પ્રધાનો સામે કાર્યવાહી કરવા માટે વિપક્ષો ભારે દબાણ લાવી રહ્યા હોવા છતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી તેને મુખ્ય પ્રધાનની લાચારી તરીકે વર્ણવવામાં આવી રહી છે, પરંતુ ભાજપના કેટલાક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બધા જ પ્રધાનો સામે કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે, પરંતુ તેનો સમય મુખ્ય પ્રધાન ફડણવીસ પોતે જ નક્કી કરશે. અત્યારે કેટલીક ગણતરીઓને ધ્યાનમાં રાખીને આ વિવાદાસ્પદ નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.
રાજ્યના વિવાદાસ્પદ પ્રધાનોમાં એકનાથ શિંદેની પાર્ટીના ચાર, એનસીપીના એક અને ભાજપના ત્રણ પ્રધાનોના નામ વારંવાર આવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર બાદ માણિકરાવ કોકાટે (એનસીપી), યોગેશ કદમ, સંજય શિરસાટ, ભરત ગોગાવલે, સંજય રાઠોડ (ચારેય શિંદે સેના), નિતેશ રાણે, જયકુમાર ગોરે અને ગિરીષ મહાજન (ત્રણેય ભાજપ) વિવિધ વિવાદમાં સપડાયા હોવાથી તેમના રાજીનામા લઈ લેવામાં આવશે એવો દાવો ઉદ્ધવ સેનાના સંજય રાઉત દ્વારા કરવામાં આવ્યો હતો.
આમાંથી ફક્ત કોકાટેનું ખાતું બદલવામાં આવ્યું હતું આ સિવાય અન્ય કોઈ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
છેલ્લા કેટલાક દિવસથી શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે વિવાદાસ્પદ પ્રધાનો સામે કાર્યવાહી ન કરી શકવાને ફડણવીસની લાચારી ગણાવી રહ્યા છે અને સાર્વજનિક મંચ પરથી ફડણવીસની ‘દયા ખાઈ’ રહ્યા છે.
આ બધા વિશે ભાજપના કેટલાક સિનિયર નેતાઓ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે નિતેશ રાણે સામે કાર્યવાહી થવાની શક્યતા ઘણી ઓછી છે કેમ કે તેઓ અત્યારે ફક્ત હિન્દુત્વનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. બાકીના નેતાઓ સામે કાર્યવાહી થશે અને ચોક્કસ થશે, પરંતુ તેનો સમય દેવેન્દ્ર ફડણવીસ પોતે નક્કી કરશે.
ભાજપના કેટલાક નેતાઓના માનવા મુજબ અત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજ્યના કોઈપણ પ્રધાન સામે કાર્યવાહી કરવાનો સીધો અર્થ એવો થશે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં પગ પર કુહાડો મારવો, કેમ કે આ બધા જ પ્રધાનો પોતાના જિલ્લા/સમાજમાં ખાસ્સી પકડ ધરાવે છે. આવી સ્થિતિમાં નુકસાનનો સોદો કરી શકાય નહીં.
આપણ વાંચો: રોહિત પવારે ‘વિવાદાસ્પદ’ પ્રધાનો અને હિન્દુત્વ પર શાસક પક્ષોની ટીકા કરી
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ નવેમ્બર મહિના સુધીમાં પૂરી થઈ જવાની શક્યતા છે. સૌથી છેલ્લે મુંબઈ મનપાની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીઓ પૂરી થઈ ગયા બાદ ડિસેમ્બરમાં સરકારનો એક વર્ષનો કાર્યકાળ પૂરો થવાનો છે અને અગાઉથી જણાવ્યા મુજબ એક વર્ષના કાર્યકાળનું મુલ્યાંકન કરીને બિનકાર્યક્ષમ/વિવાદાસ્પદ નેતાઓને પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં આવશે અથવા તો તેમના ખાતાની બદલી કરવામાં આવશે, એવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
રાજ્યના અનેક મહામંડળોના અધ્યક્ષની પસંદગી પણ આ જ કારણોસર રોકી રાખવામાં આવી હોવાનું જણાવતાં આ સૂત્રોએ કહ્યું હતું કે મહામંડળોમાં અધ્યક્ષપદ મળવાની લાલસાએ બધા જ નેતાઓ કમર કસીને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓમાં કામ કરશે અને તેનો ફાયદો મહાયુતિને જ થશે.
એકનાથ શિંદેના પ્રધાનોને દિલ્હીનું રક્ષણ હોવાની જે અટકળો ચાલી રહી છે તે સાચી જ હોવાની પુષ્ટિ કરતાં ભાજપના દિલ્હીમાં સ્થિત એક નેતાએ જણાવ્યું હતું કે એકનાથ શિંદેએ પોતાની બે દિલ્હીની મુલાકાતોમાં અમિત શાહ સામે રીતસરની નાકલીટી તાણીને એવી ખાતરી આપી છે કે તેમના નેતાઓ હવે કોઈ વિવાદાસ્પદ નિવેદનો કે કામ નહીં કરે.
અહીં ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ દિલ્હીમાંથી આવીને પોતાના નેતાઓ પર એવો કડપ બેસાડ્યો છે કે હવે બધા નેતાઓની બોલતી બંધ કરી નાખી છે.