રાજ્યસભામાં નોમિનેટ: ફડણવીસે ઉજ્જવલ નિકમને અભિનંદન આપ્યા

નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમને રાજ્યસભામાં નોમિનેટ થવા બદલ અભિનંદન આપ્યા હતા અને આતંકવાદીઓ અને દેશના દુશ્મનો સામેના કેસ લડવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
નિકમ 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં વિશેષ સરકારી વકીલ હતા.
ફડણવીસે નાગપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘મને ખૂબ આનંદ છે કે દેશના દુશ્મનો સામે કોર્ટમાં કેસ લડનારા અને જેમના પ્રયાસોથી ઘણા આતંકવાદીઓ અને ગુનેગારોને સજા થઈ હતી તેવા પ્રખ્યાત વકીલને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.’
આ પણ વાંચો: મરાઠીમાં વાત કરીને પીએમ મોદીએ ઉજ્જવલ નિકમને કરી હતી રાષ્ટ્રપતિના નિર્ણયની જાણ
‘હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આ દર્શાવે છે કે વડા પ્રધાન હંમેશા રાષ્ટ્રવાદીઓની પડખે ઉભા રહે છે,’ એમ તેમણે કહ્યું હતું.
ભાજપે નિકમને મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક પરથી 2024ની લોકસભા ચૂંટણી માટે પક્ષના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ કોંગ્રેસના વર્ષા ગાયકવાડ સામે હારી ગયા હતા.