મહારાષ્ટ્રના પ્રોજેક્ટ્સને ગતિ અપાવવા ફડણવીસ વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનોને મળ્યા | મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રના પ્રોજેક્ટ્સને ગતિ અપાવવા ફડણવીસ વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનોને મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છેલ્લા બે દિવસમાં નવી દિલ્હીમાં અનેક વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનો સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજી હતી, જેથી વિવિધ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્રીય મંજૂરીઓ અને આર્થિક સહાય મેળવી શકાય, એમ અધિકારીઓએ અહીં જણાવ્યું હતું.

તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન જે પી નડ્ડા અને કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ ઉપરાંત નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બીવીઆર સુબ્રમણ્યમ અને સભ્ય રાજીવ ગૌબા સાથે મુલાકાત કરી હતી.

આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની પાંખો કાપી નાખી…

સીતારમણ સાથેની મુલાકાત દરમિયાન, મુખ્ય પ્રધાને પાંચ મુખ્ય પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી જેના માટે મહારાષ્ટ્રે વૈશ્ર્વિક નાણાંકીય સંસ્થાઓ પાસેથી આર્થિક સહાય માગી છે, જેમાં કુલ 3.5 અબજ ડોલરથી વધુનું ભંડોળ પ્રસ્તાવિત છે, એમ શુક્રવારે મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે.

મહારાષ્ટ્રે 1,000થી વધુ વસ્તીના ગામડાઓમાં સિમેન્ટના રસ્તા બાંધવા માટે એક અબજ ડોલર, દરિયાકાંઠાના ધોવાણનું નિવારણ કરવા અને મ્યુનિસિપલ ગંદાપાણીના શુદ્ધિકરણ અને પુન:ઉપયોગ માટેના પ્રોજેક્ટ માટે 500 મિલિયન ડોલર અને વિશ્ર્વ બેંક પાસેથી બે પ્રોજેક્ટ્સ માટે વધારાના ભંડોળની માગણી કરી છે.

નડ્ડા સાથેની મુલાકાતમાં, ફડણવીસે નાગપુર જિલ્લામાં પ્રસ્તાવિત ખાતર ઉત્પાદન પ્લાન્ટની ચર્ચા કરી હતી. 12.7 લાખ ટનની ક્ષમતાનો આ પ્રોજેક્ટ ગેઇલ, ખાતર વિભાગ અને મહારાષ્ટ્ર સરકારનું સંયુક્ત સાહસ હશે. રાજ્યે 10,000 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે સબસિડી અને કેન્દ્ર સરકારની સહાયની વિનંતી કરી છે.

આપણ વાંચો: ‘બાળાસાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું’: રાજ ઠાકરે

મુખ્ય પ્રધાને કૃષિ પ્રધાન ચૌહાણને મળીને ગ્રામીણ વિસ્તારોમાં પચીસ વર્ષ સુધી જાળવણી-મુક્ત ધોરણો સાથે 14,000 કિલોમીટરના સિમેન્ટના રસ્તા બનાવવા માટે 22,490 કરોડ રૂપિયા (2.6 અબજ ડોલર)ના પ્રોજેક્ટ માટે દબાણ કર્યું. આ પ્રોજેક્ટ એશિયન ડેવલપમેન્ટ બેંકની સહાયથી પૂરો થવાનો છે.

નીતિ આયોગ સાથેની ચર્ચામાં, ફડણવીસે એઆઈ-આધારિત એનસીડી (નોન-કમ્યુનિકેબલ ડિસીઝ)ના સ્ક્રીનીંગ, 4,300 કરોડ રૂપિયાના વાંસ-આધારિત ઔદ્યોગિક ક્લસ્ટર, મરાઠવાડા વોટર ગ્રીડ, દમણ ગંગા-ગોદાવરી નદી-જોડાણ પ્રોજેક્ટ અને આઈટીઆઈ (ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ)ને ખાનગી ઉદ્યોગ સાથે જોડતી કૌશલ્ય વિકાસ પહેલ સહિત અનેક ટેક-સંચાલિત અને ટકાઉ પહેલોની ચર્ચા કરી હતી.

અમિત શાહ અને રાજનાથ સિંહ સાથેની બેઠકો સૌજન્ય મુલાકાતો હતી જ્યાં મહારાષ્ટ્રને કેન્દ્રીય સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, એમ પણ તેમાં જણાવાયું છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button