ગોપનીયતાના શપથ ભંગ બદલ ફડણવીસ અને અજિત પવાર સામે કેસ થવો જોઈએઃ રાઉત
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત વચ્ચે સૌજન્ય મુલાકાતના અહેવાલો વચ્ચે આજે સંજય રાઉતે ફડણવીસ જ નહીં, અજિત પવાર અંગે નિવેદન આપ્યું હતું.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ સામે ગોપનીયતાના શપથનો ભંગ કરવા બદલ કેસ નોંધવો જોઈએ, એમ શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે જણાવ્યું હતું.
આપણ વાંચો: શું અડધી રાતે સંજય રાઉત નડ્ડાને અને ઉદ્ધવ ઠાકરે ફડણવીસને મળ્યા હતા?
ભૂતપૂર્વ ગૃહ પ્રધાન આરઆર પાટીલ પર કરોડો રૂપિયાના કથિત સિંચાઈ કૌભાંડમાં તેમની સામે ખુલ્લી તપાસનો આદેશ આપવાના આરોપ મૂક્યાના એક દિવસ બાદ રાઉતે આ ટિપ્પણી કરી હતી. પવારે દાવો કર્યો હતો કે પાટીલે ખુલ્લી તપાસનો આદેશ આપીને તેમની પીઠમાં છરો માર્યો હતો.
આરઆર પાટીલને પ્રામાણિક અને કાર્યક્ષમ ગૃહ પ્રધાન ગણાવતા રાઉતે કહ્યું હતું કે તેમણે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી. ફડણવીસે અજિત પવારને ફાઇલ બતાવી અને ગોપનીયતાના શપથ તોડ્યા. આ મુદ્દાઓની જાહેરમાં કેવી રીતે ચર્ચા થઈ શકે? રાજ્યપાલે શપથ તોડવા બદલ ફડણવીસ અને પવાર વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપવો જોઈએ,” એમ રાઉતે જણાવ્યું હતું.