રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર, પાછા મોકલવા પર ચાંપતી નજર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કર્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં વધુ સમય રોકાતા પાકિસ્તાની નાગરિકો સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી હતી. જિલ્લા પોલીસ એકમોને કડક દેખરેખ રાખવા અને પાલન સુનિશ્ર્ચિત કરવા સૂચના આપવામાં આવી છે, જેમાં 48 કલાકની મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ધમકી ઉચ્ચારવામાં આવી છે.
ભારત સરકારે ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા છે અને તેમને તાત્કાલિક અહીંથી ચાલ્યા જવા કહ્યું છે. આ સંદર્ભમાં, મહારાષ્ટ્રમાં આવા નાગરિકોની યાદી તૈયાર કરવામાં આવી છે. અમે નજર રાખી રહ્યા છીએ, બધા પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવી છે. તેઓ તાત્કાલિક દેશ છોડી જાય તેની ખાતરી કરવા માટે સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવશે, અને જે કોઈ વિલંબ કરશે તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ સંજોગોમાં જે પાકિસ્તાની નાગરિકનો વિઝા રદ કરવામાં આવ્યો છે તે ભારતમાં કે મહારાષ્ટ્રમાં રહેશે નહીં. અમે આ બાબતે સંપૂર્ણ કાળજી લઈ રહ્યા છીએ, એમ ફડણવીસે કહ્યું હતું.
પાકિસ્તાનના નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યમાં વધુ સમય રોકાતા પાકિસ્તાની નાગરિકો સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી. મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ જિલ્લા પોલીસ એકમોને કડક દેખરેખ રાખવા અને નવા નિર્દેશનું પાલન સુનિશ્ર્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ‘અમે તેના પર ચાંપતી નજર રાખીશું અને તેમને બહાર મોકલીશું. જેઓ મુદત કરતાં વધુ સમય રોકાશે તેઓને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે,’ એમ તેમણે કહ્યું હતું. ‘મેં કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વિગતવાર વાત કરી છે અને તેમના માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરવામાં આવશે,’ એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો : સમાજમાં ભાગલા પડાવવા માટે પહલગામમાં હિન્દુઓને લક્ષ્ય બનાવાયા: બાવનકુળે…