આમચી મુંબઈમહારાષ્ટ્ર

આરક્ષણ મુદ્દે સામસામી ભૂખ હડતાળઃ જરાંગેએ સરકારને 4 દિવસની મહેતલ આપી

જાલના (મહારાષ્ટ્ર): અનામતની માંગણી પૂરી કરવા મરાઠા નેતા મનોજ જરાંગેએ આજે મહારાષ્ટ્ર સરકારને ચાર દિવસની મહેતલ આપી હતી, જ્યારે બીજી તરફ ઓબીસી કાર્યકરોએ જરાંગેના આંદોલનનો જવાબ આપતા હોય એમ ભૂખ હડતાળ શરૂ કરી હતી.

અન્ય પછાત વર્ગો (ઓબીસી) કેટેગરી હેઠળ મરાઠાઓ માટે અનામતની માંગને બુલંદ બનાવવા માટે જરાંગેએ મંગળવારે નવેસરથી બેમુદત ઉપવાસ શરૂ કર્યા છે. એક વર્ષના સમયગાળામાં છઠ્ઠી વાર તેઓ ઉપવાસ પર ઉતર્યા છે.

આ પણ વાંચો: મરાઠા આરક્ષણ અંગે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે: જરાંગે

જાલના જિલ્લાના પોતાના અંતરવાલી સરાટી ગામમાં બોલતા તેમણે કહ્યું હતું કે જો તેમની માંગણીઓ પૂરી નહીં કરવામાં આવે તો આ સમુદાય રાજ્યની શિવસેના-ભાજપ-એનસીપી સરકારને માફ નહીં કરે. આગામી ચાર દિવસમાં અમારી માંગણીઓ પૂરી કરો, નહીં તો તમારે ચૂંટણીમાં ગંભીર પ્રત્યાઘાતોનો સામનો કરવો પડશે…. મરાઠાઓ તમને માફ નહીં કરે.’
મંગેશ સસાણેની આગેવાની હેઠળના પાંચ ઓબીસી દેખાવકારોના જૂથે નજીકના સોનિયાનગરમાં અચોક્કસ મુદતની ભૂખ હડતાળ શરૂ કરી હતી. ઓબીસી દ્વારા કરવામાં આવેલી માંગણીઓમાં વિવાદાસ્પદ ‘સગે – સોયરે’ જાહેરનામું રદ કરવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પ્રદેશ આધારિત આરક્ષણની કૉંગ્રેસની મંશા હું સફળ થવા દઈશ નહીં: મોદી

આ જાહેરનામામાં કુણબી સમાજ સાથે નાતો ધરાવતા મરાઠાઓના સગાઓને ઓબીસીનો દરજ્જો આપવાની માંગણી કરવામાં આવી છે. સત્તારૂઢ ગઠબંધન મરાઠાઓને પ્રાધાન્ય આપી રહ્યું છે જ્યારે ઓબીસી મુદ્દાઓની ઉપેક્ષા કરી રહ્યું છે, એવો આક્ષેપ સસાણેએ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ‘અમારી ભૂખ હડતાલ જરાંગેની માંગણીઓ સામેનો વિરોધ છે.
સરકારે એક જૂથની ઉપેક્ષા કરી બીજા જૂથની તરફેણ ન કરવી જોઈએ.’ તમામ સમુદાયો સાથે સમાન વ્યવહાર કરવાની સસાણેએ હાકલ કરી હતી. કૃષિ પ્રધાન કુણબી સમુદાય ઓબીસી કેટેગરીમાં આવે છે. જોકે, રાજ્યના ઓબીસી નેતાઓની માંગણી છે કે પછાત વર્ગો માટે હાલની અનામતમાં મરાઠાઓનો હિસ્સો ન હોવો જોઈએ, તેના બદલે તેમને અલગથી અનામત આપવામાં આવે.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button