વિશેષ અધિવેશનને બદલે ચાલુ અધિવેશનની સમયમર્યાદા વધારો: જરાંગે-પાટીલ

મુંબઈ: રાજ્ય સરકારે 24 ડિસેમ્બરની અંદર મરાઠા આરક્ષણ અંગેનો નિર્ણય લેવો નહીંતર ત્યારબાદ અમે કોઈની વાત સાંભળશું નહીં. સરકારને એક ક્ષણનો પણ વધારાનો સમય મળશે નહીં, એવો હુંકાર ભરતાં મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે અધિવેશનની મુદત વધારવાની માગણી કરી હતી.
મંગળવારે સાંજે તેમણે કહ્યું હતું કે મરાઠા આરક્ષણ માટે રાજ્ય સરકારે વિશેષ અધિવેશન બોલાવવાને બદલે ચાલુ અધિવેશનની જ મુદત લંબાવી આપવી જોઈએ, નહીંતર સરકાર પાસે પસ્તાવો કરવા સિવાય કશું જ બચશે નહીં.
જરાંગે-પાટીલે કહ્યું હતું કે 24 તારીખ પછી 10 પગલાં આગળ જશું પણ બે પગલાં પીછેહઠ કરીશું નહીં. શિંદે સમિતિ તાકાત લગાવીને કામ કરશે તો લાખોની સંખ્યામાં નોંધ મળશે. વિદર્ભ અને મરાઠવાડાના બધા જ મરાઠા એક જ છે. તેથી માતા જો ઓબીસી વર્ગમાં હોય તો તેના પુત્રોને પણ આ લાભ મળવો જ જોઈએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે શિંદે સમિતિએ જે દસ્તાવેજો શોધ્યા છે તે કરોડોમાં છે. આથી તેમાં ચોક્કસ શું લખ્યું છે તે શોધી કાઢવું જોઈએ. અધિવેશનની મુુદત લંબાવી નાખો, પરંતુ 24 તારીખ સુધીમાં મરાઠા સમાજને આરક્ષણ આપો. અમે એક વખત દિશા નક્કી કરીશુું પછી પીછેહઠ થશે નહીં. પોલીસે અમારા માથાં ફોડ્યા છે. દર વખતે અમે સહન કરી શકતા નથી. અમારો વિષય કેન્દ્રના આરક્ષણનો નથી. અમે ઉપરનું આરક્ષણ માગતા નથી કેમ કે તે અદાલતમાં ટકતું નથી. મરાઠા સમાજને ઓબીસીમાંથી જ આરક્ષણ આપો.