આમચી મુંબઈ

એક્સપ્રેસ ટ્રેનમાંથી 32 લાખના સોનાના દાગીના ભરેલી બૅગ ચોરનારો પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એક્સપ્રેસ ટ્રેનમાં કુરિયર બૉય ઊંઘી ગયો હતો ત્યારે ચોર અંદાજે 32.73 લાખ રૂપિયાના સોનાના દાગીના અને રોકડ ભરેલી બૅગ ચોરી ફરાર થઈ ગયો હતો. રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ચોરને ઓળખી કાઢી તેને પશ્ર્ચિમ બંગાળથી પકડી પાડ્યો હતો.

રેલવેની કલ્યાણ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ ઝાહીર જમાલ શેખ (28) તરીકે થઈ હતી. તેની પાસેથી સોનાના દાગીના અને 56 હજારની રોકડ મળી 26.88 લાખ રૂપિયાની મતા હસ્તગત કરવામાં આવી હતી.

દક્ષિણ મુંબઈના કલાબાદેવી પરિસરમાં આવેલી કુરિયર કંપનીમાં કામ કરતા કુરિયર બૉય અભિષેક શિકરવારે (22) ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે સીએસએમટી રેલવે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરિયાદ અનુસાર કુરિયર કંપની દ્વારા નાશિક અને નાગપુર પાર્સલ પહોંચાડવા અને ત્યાંથી બીજાં પાર્સલ લઈ જવાની કામગીરી અભિષેકને સોંપાઈ હતી. 16 જાન્યુઆરીની રાતે સોનાના દાગીના અને રોકડ ભરેલું પાર્સલ લઈને તે વિદર્ભ એક્સપ્રેસથી મુંબઈ આવવા નીકળ્યો હતો. 17 જાન્યુઆરીના મળસકે બે વાગ્યાની આસપાસ તેણે નાશિકમાં છેલ્લું પાર્સલ કલેક્ટ કર્યું હતું.

પછી ટ્રેનમાં ઊંઘી ગયેલો અભિષેક સવારે સાત વાગ્યે ટ્રેન સીએસએમટી પહોંચી ત્યારે જાગ્યો હતો. ઊંઘમાંથી જાગ્યો ત્યારે અભિષેકને ભાન થયું હતું કે 32 લાખના દાગીના રોકડ ભરેલી બૅગ ગુમ હતી. તેણે કુરિયર કંપનીના મૅનેજરનો સંપર્ક સાધ્યા પછી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ટ્રેન જે સ્ટેશનો પર ઊભી રહે છે ત્યાંના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પોલીસે તપાસ્યાં હતાં.

ફૂટેજ અનુસાર દાદર સ્ટેશને શકમંદ ટ્રેનમાં ચઢ્યો હતો અને અભિષેકની બૅગ લઈને સીએસએમટી ઊતર્યો હતો. ફૂટેજ પરથી બૅગ ચોરનારો રેકોર્ડ પરનો આરોપી હોવાની ખાતરી થઈ હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે આરોપી પશ્ર્ચિમ બંગાળના માલદા ખાતે હોવાનું શોધી કાઢ્યું હતું. માલદા પહોંચેલી પોલીસની ટીમે આરોપીને પકડી પાડ્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button