નાગપુરથી હજારો કરોડના બૉમ્બની નિકાસ
નાગપુરઃ નાગપુરને ઓરેન્જ સિટી (સંતરાની નગરી) તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી સંતરાની નિકાસ કરવામાં આવે છે, પણ હવે નાગપુરથી દારૂગોળો બનાવતી કંપનીમાંથી હજારો કરોડ રૂપિયાના દારૂગોળાની પણ નિકાસ થઇ રહી છે. રશિયા-યુક્રેન વચ્ચે બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. તો ઇઝરાયલે ગાઝા, લેબેનોન અને ઇરાનના વિરોધમાં યુદ્ધ છેડ્યાને વર્ષભરનો સમય થઇ ગયો છે. આવા યુદ્ધના વાતાવરણમાં નાગપુરમાં દારૂગોળો બનાવતી કંપનીઓ સારો નફો કરી રહી છે. અહીંની કંપનીઓને અત્યાર સુધીમાં ત્રણ હજાર કરોડના ઓર્ડર મળ્યા છે અને અત્યાર સુધીમાં એક હજાર કરોડના માલની નિકાસ કરવામાં આવી છે.
જોકે, યુદ્ધમાં સીધા સામેલ દેશોને દારૂગોળો પૂરો પાડવામાં આવતો નથી પણ, બલ્ગેરિયા, સ્પેન, જર્મની, દક્ષિણ આફ્રિકા, વિયેતનામ, બ્રાઝિલ, પોલેન્ડ અને સાઉદી અરેબિયામાંથી દારૂગોળાની મજબૂત માંગ છે. તેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચઆ દેશો દારૂગોળો ખરીદ્યા પછી યુદ્ધમાં સંડોવાયેલા દેશોને આ દારૂગોળો આપતા હોઇ શકે છે.
છેલ્લા ત્રણ મહિનામાં નાગપુરની કંપનીઓએ 900 કરોડના વિસ્ફોટકો અને દારૂગોળાની નિકાસ કરી છે. તેમને ત્રણ હજાર કરોડનો બીજો ઓર્ડર મળ્યો છે. મળતી માહિતી અનુસાર, હોવિત્ઝર બંદૂકોથી ફાયર કરી શકાય તેવા 155mm કેલિબર (રોકેટ જેવી તોપો), ખભા પરથી ફાયર કરી શકાય તેવા 40mm રોકેટ જેવા આધુનિક હથિયારોની વિદેશમાં ભારે માંગ છે. સૂત્રોએ એવી પણ માહિતી આપી હતી કે ક્રૂડ વિસ્ફોટકોની પણ ભારે માંગ છે.
આ પણ વાંચો : શિરડી સંસ્થાનને 13 કરોડની જમીન મફત આપવાનો વિવાદ ટાળવા સરકાર હવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે
નાગપુર-અમરાવતી રૂટ પર બજારગાંવ ખાતે મોટી સંખ્યામાં શસ્ત્રો ઉત્પાદન કરનારી ફેક્ટરીઓ સ્થાપિત કરવામાં આવી છે. હાલમાં, આ ફેક્ટરીઓને મોટા જથ્થામાં હથિયારોનો ઓર્ડર મળી રહ્યો છે. પરંતુ તેઓ યુદ્ધમાં સક્રિય એવા દેશોને હથિયારો સપ્લાય કરતા નથી, એમ એક કંપનીના અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું. વિદેશમાંથી હથિયારોની ડિમાન્ડ આવ્યા બાદ ભારત સરકાર પાસેથી લાયસન્સ લેવું પડે છે. તેમજ જીયોપોલિટિકલ પરિસ્થિતિને કારણે ભારત સરકારે કેટલાક દેશોને શસ્ત્રોની સપ્લાય કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
આ વર્ષે સૌથી વધુ બોમ્બ અને ગ્રેનેડની નિકાસ કરવામાં આવી હોવાના અહેવાલ છે. એપ્રિલથી જૂન સુધીમાં 770 કરોડના બોમ્બની નિકાસ કરવામાં આવી છે. જોકે, જૂન પછીનો ડેટા હજુ ઉપલબ્ધ નથી, પણ આ સંખ્યા કરોડોમાં હોઈ શકે છે. નાગપુરને અડીને આવેલા ચંદ્રપુર જિલ્લામાંથી પણ દારૂગોળાની નિકાસ કરવામાં આવે છે. ચંદ્રપુરમાંથી રૂ.458 કરોડનો દારૂગોળાની નિકાસ કરવામાં આવી છે.