કલ્યાણ સ્ટેશનેથી વિસ્ફોટકો મળ્યા : બેગ ચોરોએ ચોરી હતી, પણ તેમાં પૈસા ન મળતા સ્ટેશન પર છોડીને ભાગી ગયા
કલ્યાણ: મધ્ય રેલવેના કલ્યાણ સ્ટેશન પર એક લાવારિસ બેગમાં વિસ્ફોટક મળતા ખળભળાટ મચી ગયો છે. તપાસમાં સામે આવ્યું હતું કે આ બેગને બે ચોરે તેમાં પૈસા હોવાનું સમજી ચોરી કરી હતી, પણ જ્યારે તેમણે આ બેગ ખોલીને જોઈ તો તેમાંથી વિસ્ફોટક અને ડિટોનેટર મળી આવ્યા હતા. આ પ્રકારના વિસ્ફોટક ડુંગરમાં બ્લાસ્ટ કરવા માટે વાપરવામાં આવે છે, એવી માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.
કલ્યાણ સ્ટેશન પર વિસ્ફોટક અને ડિટોનેટરથી ભરેલી બેગ રાખનાર બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. આ બંને આરોપી સાથે પૂછપરછ કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ બેગ તેમણે એક જગ્યાએથી ચોરી કરી હતી, પણ તેમાંથી વિસ્ફોટક નીકળતા બેગને છોડીને તેઓ છોડીને નાસી છૂટ્યા હતા. કલ્યાણ રેલવે પોલીસ દ્વારા બૉમ્બ સ્કવૉડની મદદથી આ બેગને તાબામાં લઈને આગળની તપાસ શરૂ કરી છે.
સ્ટેશન પર વિસ્ફોટક રાખનાર આરોપીઓની ઓળખ જોય કાલવ અને ઋષિકેશ નિકુંભ તરીકે કરવામાં આવી છે. આ બંને આરોપીની ઉંમર 23 અને 25 વર્ષની છે અને તેઓ બદલાપુર અને ભિવંડીના રહેવાસી છે. 21 ફેબ્રુઆરીએ સવારે 11.30 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ નંબર એક નજીક 54 ડિટોનેટર મળી આવ્યા હતા એવી માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.
કલ્યાણ સ્ટેશન પર વિસ્ફોટક મળી આવતા પોલીસે સીસીટીવી કૅમેરાની મદદથી આ બંને આરોપી ચોરની અટક કરી હતી. આ બંને પર અનેક ગુનાઓ પણ દાખલ છે. આ આરોપીઓએ કહ્યું હતું કે તેમણે કલ્યાણ સ્ટેશનના વિસ્તારના સ્કાયવોક પર સૂતેલા એક વ્યક્તિ પાસેથી આ બેગ ચોરી કરી હતી, પણ તેમાંથી પૈસા ન મળતા મોડી રાતે પ્લેટફોર્મ નંબર એક પર આ બેગ છોડીને તેઓ ભાગી છૂટ્યા હતા.
આ બેગ કોની છે એ બાબત હજી સુધી જાણવા નથી મળી. આ બંને આરોપીને બે દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ રેલવે કોર્ટે આપ્યો હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.