ઈડબ્લ્યુએસ અને એસઈબીસી, ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને શિક્ષણ ફીમાંથી મુક્તિ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક પછાત કેટેગરી (ઈડબ્લ્યુએસ), આર્થિક અને સામાજિક રીતે નબળા વિભાગો (એસઈબીસી), અન્ય પછાત વર્ગો (ઓબીસી) કેટેગરીના પાત્ર વિદ્યાર્થીઓ પાસેથી કોલેજમાં પ્રવેશ સમયે વસૂલવામાં આવતી શિક્ષણ ફી માફ કરવામાં આવી છે.
ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગે સૂચના આપી છે કે શૈક્ષણિક સંસ્થાઓએ સંબંધિત કેટેગરીના વિદ્યાર્થીઓ પાસેથી આ ફી વસૂલવી જોઈએ નહીં. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક સરકારી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
આ નિર્ણયને કારણે એક્સ્ટ્રીમલી બેકવર્ડ કેટેગરી (ઈબીસી), આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબ્લ્યુએસ), સામાજિક અને આર્થિક રીતે પછાત (એસઈબીસી) અને ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષમાં મોટી રાહત મળશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળના વિવિધ માન્ય વ્યાવસાયિક અને બિન-વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને માટે ઘણો ફાયદો થશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે જો આર્થિક રીતે નબળા વર્ગના લાયક વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ ફીની માગણી કરવાનો આગ્રહ રાખશે તો સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
થોડા દિવસો પહેલા, રાજ્ય સરકારે આર્થિક રીતે નબળા વિભાગ (ઈડબ્લ્યુએસ), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (એસઈબીસી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની છોકરીઓને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશમાં ટ્યુશન ફી અને પરીક્ષા ફીમાં 50 ટકાને બદલે 100 ટકાની સબસિડીને મંજૂરી આપી હતી. રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય પર મહોર મારવામાં આવી હતી.