ટાયર પાસે સૂતેલા યુવાન પર એક્સકેવેટર મશીન ફરી વળ્યું: સદોષ મનુષ્યવધનો ગુનો

મુંબઈ: એક્સકેવેટર મશીન ફરી વળતાં ટાયર નજીક સૂતેલા યુવાનનું મૃત્યુ થયું હોવાની ઘટના ઘાટકોપર રેલવે સ્ટેશન નજીક બની હતી. પોલીસે મશીનના ડ્રાઈવર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો.
કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારની વહેલી સવારે બનેલી ઘટનામાં અંદાજે 35 વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું. ઘટના સમયે તે દારૂના નશામાં હોવાનું પોલીસનું માનવું છે.
આ પણ વાંચો: થાણેમાં મરઘા લઇ જતી ટ્રક એક્સકેવેટર સાથે ટકરાતાં ત્રણ ઘાયલ
ઘટનાસ્થળેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યા પછી પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલા ટેક્નિકલ પુરાવાને આધારે એવું પુરવાર થયું હતું કે યુવાન મશીનના ટાયર નજીક સૂતો હતો. તે સમયે ડ્રાઈવર ત્યાં આવ્યો હતો અને તેણે મશીન ચાલુ કર્યું હતું, જેને કારણે યુવાને જીવ ગુમાવ્યો હતો.
આ પ્રકરણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સદોષ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસનું કહેવું છે.
(પીટીઆઈ)