આમચી મુંબઈ

ટ્રેનમાં ફાયરિંગઃ પૂર્વ આરપીએફ કોન્સ્ટેબલના ગોળીબાર અંગે કોર્ટમાં અધિકારીએ આપ્યું નિવેદન

મુંબઈઃ ટ્રેનમાં ગોળીબાર કરનારા ભૂતપૂર્વ આરપીએફ કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીના સ્વાસ્થ્ય સ્થિતિ અંગે ઘટના પહેલા કોઇ માહિતી મળી નહોતી, એમ એક ભૂતપૂર્વ રેલવે સિક્યોરિટી અધિકારીએ મંગળવારે કોર્ટને જણાવ્યું હતું.

આ ઘટના 31મી જુલાઇ, 2023ના પાલઘર રેલવે સ્ટેશન નજીક જયપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સ્પ્રેસમાં બની હતી, જ્યારે ચેતનસિંહે કરેલા ગોળીબારમાં ચાર જણનાં જીવ ગયા હતા. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પોસ્ટ કરાયેલા અને એસ્કોર્ટ સ્ટાફને તહેનાત કરનારા અધિકારી કોર્ટને કહ્યું હતું કે ચૌધરીએ ગોળીબારની ઘટનાના એક કલાક પહેલા કહ્યું હતું કે તે હાયડ્રોસીલ સમસ્યાથી પીડાઇ રહ્યો છે અને તે હલનચલન કરવામાં અસમર્થ છે.

બચાવ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી માનસિક માંદગીથી પીડાઇ રહ્યો છે. ગોળીબારની ઘટના બાદ તેની ધરપકડ કરાઇ હતી અને ત્યારથી તે જેલમાં છે. અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે તેમને જ સૂરતથી જયપુર એક્સ્પ્રેસમાં ચૌધરી અને મીનાને તહેનાત કર્યા હતા. અંદાજે સવારે 4.10 કલાકે ચૌધરીએ તેની તબિયત સારી ન હોવાનું મીનાને કહ્યું હતું.

ચૌધરીએ મીનાને તેની ડ્યુટી સંભાળી લેવા અને વાપી સ્ટેશને ઊતરી જવાનું કહ્યું હતું, પરંતુ ટ્રેન વાપીથી નીકળી ચૂકી હતી. ત્યાર બાદ ચૌધરી પાસેથી શસ્ત્રો લઇને તેને ડ્યુટીમાંથી છૂટ આપવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આ કારણે કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીને જામીન આપવાની કોર્ટે કરી મનાઈ

થોડી વાર પછી આચાર્ય નામના અધિકારી તરફથી ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે ચૌધરી જબરદસ્તી રાઇફલ લઇને ગયો છે. ત્યાર બાદ વિભાગને એલર્ટ કરાયું હોવાનું પણ અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button