મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને જનમટીપ
રામનારાયણ ગુપ્તા નકલી એન્કાઉન્ટર કેસમાં મુંબઈ હાઈકોર્ટની સજા
મુંબઈ: મુંબઈમાં વર્ષ 2006માં ગેન્ગસ્ટર છોટા રાજનના નિકટના સાથીદાર મનાતા રામનારાયણ ગુપ્તાના કરેલા બનાવટી ઍન્કાઉન્ટરને મામલે બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈના માજી પોલીસ અધિકારી પ્રદીપ શર્માને મંગળવારે દોષી જાહેર કરી જનમટીપની સજા આપી હતી.
ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને ગૌરી ગોડસેની ડિવિઝન બૅન્ચે શર્માને નિર્દોષ જાહેર કરતા સેસન્સ કોર્ટના વર્ષ 2013ના ચુકાદાને તરંગી અને ટકી ન શકે તેવો લેખાવી રદ કર્યો હતો. શર્મા વિરુદ્ધ ઉપલબ્ધ પુરાવાઓને ટ્રાયલ કોર્ટે અવગણ્યા હતા એમ જણાવતાં બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે ઉપલબ્ધ પુરાવાઓ બનાવટી ઍન્કાઉન્ટમાં પ્રદીપ શર્માની સંડોવણી પુરવાર કરે છે.
ડિવિઝન બૅન્ચે શર્માને ત્રણ અઠવાડિયાની અંદર સંબંધિત સેસન્શ કોર્ટને શરણે જવાનો આદેશ આપ્યો છે.
પોલીસ અધિકારી સહિત 13 વ્યક્તિને દોષી જાહેર કરતા અને જનમટીપની સજા ફરમાવતા ટ્રાયલ કોર્ટના આદેશને પણ બૉમ્બે હાઈ કોર્ટે માન્ય રાખ્યો હતો.
13 પોલીસ અધિકારી સહિત બાવીસ વ્યક્તિ સામે હત્યા અંગેનું આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2013માં સેસન્સ કોર્ટે પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કરી બાકીના 21 આરોપીને જનમટીપની સજા આપી હતી. 21 આરોપીમાંથી બે આરોપીનું કસ્ટડી દરમિયાન મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો
પોલીસ એન્કાઉન્ટર્સ : કેટલા વ્યાજબી… કેટલા ગેરવ્યાજબી?
આરોપીઓએ તેમને દોષી જાહેર કરતા અને સજા ફરમાવતા ચુકાદાને પડકારતી અરજી હાઈ કોર્ટમાં કરી હતી.
મૃતક આરોપીના ભાઈ રામપ્રસાદ ગુપ્તાએ પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કરતા ચુકાદા વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી હતી.
વિશેષ સરકારી વકીલ રાજીવ ચવ્હાણે દલીલ કરી હતી કે વર્તમાન કેસમાં કાયદો અને વ્યવસ્થાના રખેવાળ અધિકારીઓ જ ઠંડે કલેજે કરવામાં આવેલા બનાવટી ઍન્કાઉન્ટરમાં સંડોવાયેલા હતા.
કેસને મામલે શર્માને દોષી જાહેર કરવાની માગણી કરનાર વકીલે દલીલ કરી હતી કે ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા જ આ બનાવટી ઍન્કાઉન્ટર તેમ જ અપહરણ અને હત્યાના સંપૂર્ણ ઑપરેશનના મુખ્ય કાવતરાખોર હતા. રાજન ગેન્ગનો સભ્ય હોવાની શંકાને આધારે 11 નવેમ્બર 2006ના રોજ પોલીસ ટુકડીએ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાનું મિત્ર અનિલ ભેદા સાથે વાશીથી અપહરણ કર્યું હતું અને તે જ દિવસે સાંજે વર્સોવા પરાં વિસ્તારમાં નાનાનાની પાર્ક નજીક બનાવટી ઍન્કાઉન્ટરમાં ગુપ્તાની હત્યા કરી હતી. (એજન્સી)