પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ સેપ્કિટ ટેન્કમાં નાખી દીધો: બરતરફ પોલીસકર્મી પકડાયો

નાગપુર: નાગપુરમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ બરતરફ પોલીસ કર્મચારીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરીને તેના મૃતદેહને નિર્માણાધીન ઇમારતની પાછળ સેપ્ટિક ટેન્કમાં નાખી દીધો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
આરોપીની ઓળખ નરેશ ઉર્ફે નરેન્દ્ર પાંડુરંગ દાહુલે (40) તરીકે થઇ હોઇ હત્યા અને પુરાવા નષ્ટ કરવા બદલ ચંદ્રપુર જિલ્લામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પતિની હત્યાની સોપારી પત્નીએ આપી અને…
આરોપી એક સમયે પોલીસદળમાં કાર્યરત હતો, પણ તેને બરતરફ કરવામાં આવ્યો હતો. નરેશની 40 વર્ષની પ્રેમિકા ચંદ્રપુર જિલ્લાના ચિમુરની રહેવાસી હતી. તે પરિણીત હતી અને તેને પુત્ર પણ છે. નરેશ અને મહિલા એક જ શાળામાં ભણતાં હતાં અને ઑગસ્ટમાં ફેસબૂક દ્વારા તેઓ ફરી એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં.
દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેમણે ભાગી છૂટવાનું નક્કી કર્યું હતું. જોકે 26 નવેમ્બરે તેમના ભવિષ્યને લઇ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આથી રોષે ભરાયેલા નરેશે ગળું દબાવીને પ્રેમિકાની હત્યા કરી હતી.
આ પણ વાંચો: વિરારમાં પરિણીત પ્રેમિકાનું ગળું દબાવી હત્યાના આરોપસર પ્રેમીની ધરપકડ
બાદમાં ચોરેલી કારમાં મહિલાના મૃતદેહને બેલ્તારોડી પોલીસ પોલીસ સ્ટેશનની હદમાં વેલા હરિ વિસ્તારમાં લઇ જવાયો હતો, જ્યાં નિર્માણાધીન ઇમારતની પાછળ સેપ્કિટ ટેન્કમાં નાખી દેવામાં આવ્યો હતો.
નરેશે મૃતદેહ ઠેકાણે લગાવવા વાપરેલી કારની ચોરીની તપાસ ચંદ્રપુર પોલીસે આદરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા ફોન રેકોર્ડસ તપાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ નરેશને તાબામાં લેવાયો હતો.
પૂછપરછમાં નરેશે મહિલાની હત્યાની કબૂલાત કરી હતી અને મૃતદેહને જ્યાં ફેંકી દેવાયો હતો ત્યાં તે પોલીસને લઇ ગયો હતો. (પીટીઆઇ)