આમચી મુંબઈ

એપ્રિલ પૂરો થયો હોવા છતાં માત્ર ૩૦ ટકા જ નાળાસફાઈ

ઈન્સ્પેકશન પર નીકળેલા બીએમસી કમિશનરે ઝટ કામ પૂરું કરવા નિર્દેશ આપ્યો

મુંબઈ: દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈ મહાનગરપાલિકાએ નાળાની સફાઈનું કામ હાથ ધર્યું છે. નાળાસફાઈનું કામ પૂરું કરવા ૩૧ મેની મુદત છે અને ચોમાસુ નજીક છે છતાં હજી સુધી માત્ર ૩૦ ટકા નાળાસફાઈ થઈ છે. નાળાસફાઈનું ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી ટીકા થઈ રહી છે ત્યારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ગુરુવારે નાળાસફાઈનાં કામનું ઈન્સ્પેકશન કરીને કામ ઝડપથી પૂરા કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ચોમાસાના આગમન પહેલા એટલે કે નાનાં-મોટાં નાળાને સાફ કરવા માટે પાલિકા ૨૩૫ કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની છે અને તમામ નાળા અને ગટરોને ૩૧ મે, ૨૦૨૫ પહેલા સાફ કરવાના છે. પરંતુ કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી ગુરુવારે કમિશનરે દક્ષિણ મુંબઈમાં વરલીનું રેસકોર્સ નાળું, નેહરુ સાયન સેન્ટર નાળું અને દાદર-ધારાવીમાં નાળાની ચાલી રહેલી સફાઈ કામનું ઈન્સ્પેકશન કર્યું હતું.

નાળાસફાઈના ઈન્સપેકશન બાદ કમિશનરેે નાનાં-મોટાં નાળાની સફાઈ ઊંડાઈથી કરવાનો આદેશ આપ્યો હતો, જેથી ચોમાસામાં પાણીનું વહન કરવાની તેની ક્ષમતા વધે. તથા નાળાઓની સફાઈ બાદ તેમાંથી કાઢેલા ગાળ-કચરાનો નિકાલ ૪૮ કલાકની અંદર કરવા પર પણ તેમણે ભાર આપ્યો હતો.

નાળાસફાઈના કામના ઈન્સ્પેકશન દરમ્યાન કમિશનરે કહ્યું હતું કે મુંબઈની ડ્રેનેજ સિસ્ટમ નાળા પર આધારિત છે. દર વર્ષે ચોમાસા પહેલા નાળાની સફાઈ કરવી જ પડે છે. ચોમાસું નજીક છે, છતાં માત્ર ૩૦ ટકામ કામ થયું છે. જોકે ચોમાસાના આગમનને હજી સવા મહિનો બાકી છે. તેથી નક્કી કરેલા ટાઈમટેબલ મુજબ કામ પૂરું કરવામાં ગતિ રાખવામાં આવશે, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. ચોમાસામાં વરસાદના પાણી ભરાય નહીં તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. સફાઈના કામનું વીડિયો રેકોર્ડિંગ તથા પહેલી વખત આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની મદદ લેવામાં આવવાની છે. તેથી નાળાસફાઈનાં કામમાં સંપૂર્ણપણે પારદર્શકતા રહેશે. નાગરિકો પણ તેમના વિસ્તારની નાળાસફાઈની માહિતી પાલિકાની વેબસાઈટ પરથી મેળવી શકશે.

કમિશનરે ઘનકચરા વિભાગના અધિકારીઓને કામ ઝડપથી અને ગુણવત્તાપૂર્વક કરવાનો નિર્દેશ આપ્યો હતો પણ એ સાથે જ તેમણે નાગરિકોને પણ ગટર-નાળામાં પ્લાસ્ટિકની થેલી, બાટલીઓ, થર્મોકોલ જેવો તરતો કચરો નહીં નાખવાની અપીલ કરી હતી. આવા કચરાને કારણે નાળાનો પ્રવાહ અટવાઈ જાય છે અને ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી અને તેને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા નિર્માણ થતી હોય છે.

આ પણ વાંચો…પાલિકાના પોકળ દાવાં: મુંબઈમાં વરસાદી પાણી ભરાવાનાં ૮૬ સ્થળ વધ્યા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button