આમચી મુંબઈ

મતદાન કર્યા બાદ પણ અજિત પવારના પક્ષનું વક્ફ બિલ મામલે મૌનઃ કોના છે પક્ષમાં પવાર?

મુંબઈઃ લગભગ 13 કલાકની લાંબી ચર્ચા અને દલીલબાજી વચ્ચે લોકસભામાં ગઈકાલે રાત્રે વકફ બોર્ડ સંશોધન બિલ પસાર થયું. આ બિલની તરફેણમાં 288 જ્યારે વિરુદ્ધમાં 232 મત પડ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ ખૂબ કપરું લાગતું ચઢાણ અડધું તો ચડી લીધું છે. આ બિલને એનડીએના તમામ ઘટકોએ સમર્થન આપ્યું છે, પરંતુ એનડીએના એક નાનકડા એવા ઘટક પક્ષ એનસીપીએ કોના પક્ષમાં મતદાન કર્યું તે મામલે કોઈ સ્પષ્ટતા નથી. અજિત પવારના ત્રણ સાંસદ લોકસભા-રાજ્યસભામાં છે ત્યારે તેમનો પક્ષ બિલની તરફેણમાં છે કે વિરુદ્ધમાં તે મામલે કોઈ સત્તાવાર ફોડ પાડવામાં આવ્યો નથી.

અજિત પવારના પક્ષને મુસ્લિમ મતોનો ડર

એનસીપી જ્યારે એક હતી ત્યારથી શરદ પવારે મુસ્લિમ મતદારો સાથે સારો ઘરોબો રાખ્યો છે અને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ જેટલો જ મુસ્લિમ મતદાર વર્ગ એનસીપી ધરાવે છે. કાકાથી અલગ થયા બાદ પણ અજિત પવારે મુસ્લિમ નેતાઓને ટિકિટ આપી છે. હસન મુશરિફ અને સબા મલિક તેમના વિધાનસભ્યો છે. અજિત પવારે તાજેતરમાં જ કહ્યું હતું કે જો મુસ્લિમ સમુદાયને બિલ સામે વિરોધ હોય તો તેઓ અમારી સામે આવી રજૂઆત કરી શકે છે. મુસ્લિમ સમુદાયને અન્યાય થાય તેવું અમે કંઈ થવા દઈશું નહીં, અમારા ત્રણ સાંસદ છે. અજિત પવાર આ મામલે ચૂપ છે કારણ કે તેમને મુસ્લિમ મત ગુમાવવાનો ડર છે. સરકારમાં સાથે રહેવું હોય તો બિલનો વિરોધ કરવો તેમને પોષાય તેમ નથી અને જો બિલની તરફેણ કરે તો મુસ્લિમ સમર્થકો નારાજ થઈ શકે તેમ છે.

ભાજપના અન્ય સાથી પક્ષ એકનાથ શિંદેએ આ બોર્ડને જાહેરમાં સમર્થન આપ્યું છે જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ તેનો વિરોધ કર્યો છે.

આપણ વાંચો:  વક્ફ સંશોધન બિલઃ મલ્લિકાર્જુન ખડગે કેમ થયા લાલઘૂમ? પુષ્પા સ્ટાઈલમાં શું કહ્યું, જાણો વિગત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button