17 વર્ષે પણ મુંબઈમાં 26/11 હુમલાના જખમો તાજા: તહવ્વુર રાણા વિરુદ્ધ ગાળિયો કસવા NIA એક્ટિવ મોડમાં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ 26 નવેમ્બર, 2008ના મુંબઈમાં પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીએ શ્રેણીબદ્ધ હુમલા કર્યા. દક્ષિણ મુંબઈની તાજ હોટેલ, ટ્રાઈડન્ટ હોટેલ, નરિમાન હાઉસ, છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિત અનેક જગ્યાને નિશાન બનાવ્યું અને 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં અનેક પોલીસ અધિકારીઓ પણ ભોગ બન્યા હતા, પરંતુ આજની તારીખે એ યાતના (ભોગ બનેલા લોકો)ના જખમો ભરાયા નથી.
આ આતંકવાદી હુમલા માટે એવી જગ્યા પસંદ કરી હતી, જે વિદેશી નાગરિકો અને ભીડભાડવાળી હોય, જેમાં ઓબેરોય હોટેલ, સીએસટી સ્ટેશન, નરિમાન હાઉસ, કામા હોસ્પિટલ, મેટ્રો સિનેમા અને લિયોપોલ્ડ કેફે પણ સામેલ હતું. આ આતંકવાદી હુમલામાં સેંકડો લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા હતા, જ્યારે સેંકડો લોકો ઘવાયા કે જેના ઘા આજે પણ સૌને યાદ છે. આજે પણ રેલવે સ્ટેશન હોય કે દક્ષિણ મુંબઈના સ્થળો પરના ગોળીઓના નિશાન અને રસ્તાઓ પરની હુમલા આજે લોકો ભૂલ્યા નથી.
માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા સકંજામાં
એના સિવાય હાલના તબક્કે આ હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા સંબંધમાં અમેરિકન સરકાર પાસે ઓક્ટોબરમાં મ્ચુચ્યુઅલ લીગલ આસિસ્ટંસ ટ્રીટી (એમએલએટી) પ્રક્રિયાના માધ્યમથી વિગતો પણ માગી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર ભારતને પ્રત્યાર્પિત કર્યા પછી કરેલી એનઆઈએની પૂછપરછના મહિના પછી અનેક સવાલો પણ કરવામાં આવ્યા છે, જેમાં 2008 મુંબઈ આતંકી હુમલાના ષડયંત્ર મુદ્દે વધુ તપાસ કરવામાં પણ મદદ મળી શકે છે.
કસાબને ઓળખનારી દેવિકાએ શું કહ્યું?
એના સિવાય મુંબઈમાં અનેક લોકો એવા છે, જે આજે પણ એ હુમલાને ભૂલી શકે એમ નથી. મુંબઈ સીએસટી સ્ટેશનના હુમલાનો ભોગ બનેલી દેવિકા રોટવાની પણ ભોગ બની ત્યારે નવ વર્ષની હતી, જે આજે 26 વર્ષની થઈ ગયેલી દેવિકાને પગમાં ગોળી વાગી હતી, જે દિવસની ભૂલી શકતી નથી. હુમલાથી લઈને મુંબઈની સુરક્ષા અંગે મહત્ત્વની વાત હતી દેવિકાએ મુંબઈ સમાચાર સાથે, જાણો સ્પેશિયલ રિપોર્ટ.
સરકારી ડ્રાઈવરે આતંકી પર ગાડી ચલાવી હતી
આ હુમલાના દિવસે સરકારી કર્મચારી મારુતિ ફડે આતંકવાદીઓ પર ગાડી ચઢાવીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મેડિકલ એજ્યુકેશનના સેક્રેટરીના ડ્રાઈવર તરીકેની કામગીરી કરનારા મારુતિ ફડેની હિંમતને દાદ દેવી પડે કે કપરા સંજોગોમાં પણ આતંકવાદીઓ સામે બાથ ભીડી હતી. આજે 17 વર્ષ પછી પણ એ દિવસોને ભૂલી શકતા નથી. કસાબ અને એની સાથેના આતંકવાદીઓ સામે આવ્યા પછી તેમના પર ગાડી ચઢાવી દીધી હતી. હુમલામાં આબાદ બચાવ અંગે મુંબઈ સમાચારને શું જણાવ્યું હતું જાણો.
કામા હોસ્પિટલની નર્સે એ ગોઝારી રાતને ભૂલી શકશે નહીં
કામા હોસ્પિટલનો સ્ટાફ ક્યારેય ભૂલી શકશે નહીં. અજમલ કસાબ અને તેના સાથીઓએ હોસ્પિટલમાં ઘૂસીને નિર્દયતાથી ગોળીઓ ચલાવી રહ્યા હતા. હોસ્પિટલમાં અનેક લોકોના જીવ જોખમમાં હતા ત્યારે નર્સિંગ સ્ટાફે હિંમત બતાવી અને અનેક બાળકો અને મહિલાઓના જીવ બચાવ્યા હતા. આ નારી શક્તિએ સમગ્ર ઘટનાનો ચિતાર વર્ણવ્યો હતો અને તે સમયે ફરજ પરની નર્સ યોગિતા બાગડેએ રાતના અનુભવ અંગે મહત્ત્વની વાત જણાવી.
આટલા સવાલોના જવાબ પણ જાણો
26/11ના આતંકી હુમલાથી દિવસો સુધી મુંબઈ જાણે થંભી ગયું હતું, પણ આ હુમલાએ દેશની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો કર્યા હતા. જોકે, મુંબઈ હોય કે દિલ્હીના આતંકવાદી હુમલાનું જોખમ છાશવારે તોળાતું રહે છે, પણ એ હુમલા સંબંધી મહત્ત્વના સવાલના જવાબ જાણો.
હુમલો કેટલા દિવસ સુધી ચાલ્યો અને ટાઈમલાઈન?
26/11ના આતંકી હુમલો 26 નવેમ્બર 2008ના શરુ થયો અને 60 કલાકથી વધુ ચાલ્યો હતો. મુંબઈ પરના હુમલાને આજની તારીખે 26/11 તરીકે ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના ખૂંખાર આતંકવાદી સંગઠન લશ્કર-ઐ-તૈયબાએ જે ષડયંત્ર રચ્યું હતું, તેને પાર પાડ્યું હતું. આતંકવાદી હુમલાની ટાઈમલાઈનની વાત કરીએ તો સૌથી પહેલા કોલાબા કોઝવે ખાતેની લિયોપોલ્ડ કૈફેમાં બે આતંકવાદીઓએ અંધાંધૂધ ફાયરિંગ કર્યું હતું, જેમાં દસનાં મોત થયા હતા.
રાતના 10.30 વાગ્યે બે આતંકવાદીએ મુંબઈ રેલવે સ્ટેશન નજીકના કામા હોસ્પિટલ પર હુમલો કર્યો એ વખતે ત્રણ પોલીસ અધિકારીએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેમને મોતને ઘાટ ઊતાર્યા.
રાતના અગિયાર વાગ્યે ચાર આતંકવાદી તાજ હોટેલમાં દાખલ થયા હતા. હોટેલમાં ઘૂસ્યા અને બે આતંકવાદી નરિમાન હાઉસ અને અજમલ કસાબ સહિત બે આતંકવાદી સીએસટી રવાના થયા હતા. કસાબ અને તેની સાથેના આતંકવાદીએ મુંબઈ સ્ટેશન પર હુમલો કર્યો, જેમાં 58 લોકોનાં મોત થયા હતા. તાજ હોટેલમાં હુમલો કર્યો, જેમાં અનેકનાં મોત થયા હતા.
તાજ હોટેલના ધમાકા પછી ટ્રાઈડન્ટ હોટેલમાં આતંકવાદીઓ હોવાના સમાચારને કારણે ખળભળાટ મચી ગયો હતો. બે આતંકવાદી 30 લોકોને માર્યા હતા. 26 નવેમ્બરની રાત અલગ અલગ જગ્યાએ હુમલા કરીને મુંબઈગરાના જીવ પડિકે બંધાઈ ગયા હતા.
26મી નવેમ્બરના મોડી રાતના 2.30 વાગ્યે ભારતીય આર્મીએ હોટેલની લોબીમાં એન્ટ્રી કરી અને રેસ્ક્યૂ ઓપરેશનમાં 200 લોકોને બચાવ્યા હતા. એમ છતાં 100 લોકો આતંકવાદીઓની કેદમાં હતા. એના પછી તાજ અને ટ્રાઈડન્ટ હોટેલમાં આતંકવાદીઓ અને એનએસજીની વચ્ચે હિંસક અથડામણ ચાલી હતી. સવારે 9.45 વાગ્યે બે આતંકવાદીએ નરિમાન હાઉસમાં ઘૂસી જઈને સેન્ટર પર હુમલો કર્યો હતો.
એનએસજીએ કયું ઓપરેશન ચલાવ્યું હતું?
આતંકવાદીઓ વિરુદ્ધ 27-29 નવેમ્બરના નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી), નેવી કમાન્ડો અને ભારતીય સેનાએ સંયુક્ત રીતે આતંકવાદીઓ સામે ઓપરેશન બ્લેક ટોરનેડો હાથ ધર્યું હતું. સુરક્ષા દળોએ એક પછી એક આતંકવાદીઓને મારી નાખ્યા અને અજમલ કસાબને જીવતો પકડી લીધો હતો. 29 નવેમ્બર સુધીમાં તાજ હોટેલમાં રહેલા આતંકવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યા હતા, જેની યાદ આજે પણ મુંબઈગરા જ નહીં, પરંતુ દેશવાસીઓને હચમાચવી દે છે.
આતંકવાદીઓ ક્યાંથી પહોંચ્યા મુંબઈ, કોણ શહીદ થયું?
આતંકવાદી માછલી પકડનારી બોટ (કુબેર)ને લઈને અરબ સાગર મારફત મુંબઈ પહોંચ્યા હતા. આ હુમલામાં 166 લોકોનાં મોત થયા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદી હુમલામાં એટીએસ ચીફ હેમંત કરકરે, અશોક કામટે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ વિજય સાલસ્કર શહીદ થયા હતા.
26/11ના આતંકવાદી હુમલા પછી સુરક્ષામાં શું ફેરફાર?
26/11ના આતંકવાદી હુમલા પછી ભારતીય દરિયાઈ સુરક્ષા, આતંકવાદી વિરોધી કાયદામાં મોટા સુધારા કર્યા તેમ જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)નું ગઠન કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: દહિસરમાં બિલ્ડિંગમાં આગ: કોઈ જાનહાનિ નહીં



