એસ્ટેટ એજન્ટ, તેના મિત્રનું અપહરણ કરી નાણાં વસૂલવાનો પ્રયાસ: પાંચની ધરપકડ
થાણે: 60 વર્ષના એસ્ટેટ એજન્ટ અને તેના મિત્રનું અપહરણ કરી રૂપિયા વસૂલવાનો પ્રયાસ કરવા બદલ ચાર મહિલા સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી.
કાશીગાંવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાહુલકુમાર પાટીલે જણાવ્યું હતું કે આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને શુક્રવારે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ચાર મહિલાનો સમાવેશ છે. આરોપીઓની ઓળખ સોનાલી મહેન્દ્ર મહાલે (28), નીશા નાગેશ ગાયકવાડ (45), તેની પુત્રી દર્શના (22), બહેન દીપા રોહિત પ્રજાપતિ (38) અને મલિક અહેમદ ફક્કી (24) તરીકે થઇ હતી.
નોકરી શોધી રહેલી એક મહિલાએ ફરિયાદીને કૉલ કર્યો હતો અને 21 મેના રોજ તેને હોટેલમાં મળવા માટે બોલાવ્યો હતો.
ફરિયાદી તેના મિત્ર સાથે હોટેલમાં આવ્યો હતો, જ્યાં નોકરી અંગે વાતચીત ચાલી રહી હતી ત્યારે આરોપીએ ફરિયાદી અને તેના મિત્રનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું.
આ અંગે શંકા જતાં બંને જણ ત્યાંથી નીકળી ગયા હતા, પણ હોટેલ બહાર ઊભેલી રીક્ષામાં તેમને જબરજસ્તી બેસાડીને ગોરાઇ વિસ્તારમાં લઇ જવાયા હતા.
ગોરાઇમાં ત્રણ મહિલા સહિત ચાર જણે તેમની મારપીટ કરી હતી. આરોપીઓએ બાદમાં તેમની પાસે પૈસાની માગણી કરી હતી. તેઓ બંને જણને એટીએમ સેન્ટરમાં લઇ ગયા હતા, પણ ત્યાંથી પૈસા કાઢી શકાયા નહોતા. બાદમાં તેમને બોરીવલી લઇ જવાયા હતા અને જ્યાં સુધી રૂ. એક લાખ નહીં આપે ત્યાં સુધી તેમને છોડવામાં નહીં આવે, એવી ધમકી અપાઇ હતી.
આરોપીઓએ બંને જણને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવવાની ધમકી આપી હતી અને તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. 22 મેના રોજ સવારે તેમને છોડી દેવામાં આવ્યા હતા.
દરમિયાન પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ અને મળેલી માહિતીને આધારે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. (પીટીઆઇ)