આખો ગોખલે પુલ હવે આવતા વર્ષે જ શરૂ થશે
બીજા ગર્ડરના ભાગ હજી મુંબઈ પહોંચ્યા નથી આથી બીજી લેન ખૂલવામાં વિલંબ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ-પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલના બીજા ગર્ડરના અમુક ભાગ હજી સુધી મુંબઈ પહોંચ્યા નથી. તેથી ગર્ડર બેસાડવાના કામમાં સતત વિલંબ થઈ રહ્યો હોવાથી વાહનવ્યવહાર માટે આખો પુલ હવે સીધો નવા વર્ષમાં જ ખુલશે એવું માનવામાં આવે છે.
ગોખલે પુલની એક બાજુ ૨૬ ફેબ્રુઆરીના રોજ ટ્રાફિક માટે ખુલ્લી મુકવામાં આવ્યા બાદ બીજી લેન ક્યારે ખુલ્લી મુકવામાં આવે છે, તેની રાહ જોવાઈ રહી છે. ગોખલે પુલનું કામ ચાલુ થયા બાદ તેની એક તરફની લેન ખુલ્લી મુકવામાં જ ૧૫ મહિનાનો સમય લાગી ગયો છે. હવે ગોખલે પુલની બીજી લેનનું કામ હાથ ધરવામાં આવવાનું છે, તે માટે ગર્ડર નાખવામાં આવવાનો છે. જોકે ગર્ડરના અમુક ભાગ હજી સુધી મુંબઈ સુધી પહોંચી શક્યા નથી.
ગર્ડરના ભાગ તબક્કાવાર બાય રોડ મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. અમુક ભાગ આવવામાં મોડું થયું હોવાથી જયાં સુધી તમામ ભાગ આવી પહોંચે નહીં ત્યાં સુધી તેને જોડવાનું કામ અટવાઈ પડ્યું છે. તમામ ભાગ આવે પછી તેને જોડવામાં આવશે અને બાદમાં રેલવેની હદમાં બ્લોક લેવામાં આવશે. રેલવેની હદમાં આવતું કામ ૧૫ નવેમ્બર સુધી પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જોકે ગર્ડરના ભાગને જોડવાનું કામ મુદત ચૂકી ગયું હોવાથી રેલવેની હદમાં આવતું કામ અને ત્યારબાદના કામમાં તેના શેડ્યુલથી મોડા પડી રહ્યા છે.
આ પણ વાંચો : ગેરકાયદે ફેરિયાઓ સામેના કાયદાને અમલમાં મૂકવામાં નિષ્ફળ સરકારને હાઇ કોર્ટનો સવાલ
પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ગોખલે પુલ માટેના છેલ્લા ગર્ડરના અમુક ભાગ અટવાઈ ગયા હતા. હવે જોકે ગર્ડરના ભાગ સાથેનું વાહન ચાર ઓગસ્ટના મુંબઈના મોડી સાંજ સુધી આવી પહોંચે એવી શક્યતા છે. તે બાદ ગર્ડરને જોડવાનું બાકી રહેલું કામ અને રેલવે પાસેથી બ્લોક માંગીને ગર્ડર નાખવાનું કામ ઝડપથી હાથ ધરાશે. કામ પૂરું કરીને શક્ય એટલી વહેલી તકે આખો ગોખલે પુલ ખુલ્લો મૂકવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
નોંધનીય છે કે અગાઉ ગર્ડરના તમામ ભાગ આવી ગયા બાદ ૩૧ મે સુધી ગર્ડરને બેસાડવાનું કામ, પુલને જોડતો રસ્તો તૈયાર કરવા જેવા કામ પૂરા કરીને ૩૧ ડિસેમ્બર સુધી પુલને ખુલ્લો મુકવાની યોજના હતી. પુલના ગર્ડરના ૩૨ છુટ્ટા ભાગ ૨૨ એપ્રિલ સુધી લાવીને ૩૦ એપ્રિલથી પુલને જોડવાનું કામ કરવાનું હતું. પરંતુ તમામ ભાગ આવવામાં વિલંબ થવાની ગર્ડર બેસાડવાનું કામ અટવાઈ ગયું છે.