એક્ટર સયાજી શિંદે અજિત પવારની NCPમાં થયો સામેલ, અનેક ફિલ્મો-સીરિયલોમાં કરી ચૂક્યો છે કામ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અનેક ફિલ્મા-સીરિયલોમાં કામ કરી ચૂકેલો જાણીતો અભિનેતા સયાજી શિંદે અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીમાં સામેલ થયો છે. પાર્ટી નેતા છગન ભુજબળે કહ્યું, સયાજી શિંદે માત્ર સારો અભિનેતા જ નહીં, પરંતુ હવે તે રાજકારણી પણ બની ગયો છે. રાજકારણમાં તેને કોઈ મુશ્કેલી નહીં પડે.
થોડા સમય પહેલા બોલિવૂડ એક્ટર સયાજી શિંદેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સયાજી શિંદેને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ હતી. આ પછી તેને સતાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સયાજી શિંદે મરાઠી અને બોલિવૂડ સિનેમાની અભિનય જગતનું એક મોટું નામ છે. સયાજીએ પોતાના કરિયરમાં અત્યાર સુધી 291 ફિલ્મોમાં કામ કર્યું છે.
1992માં કરિયરની કરી હતી શરૂઆત
સયાજી શિંદેએ વર્ષ 1992માં ફિલ્મ દિશાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. મરાઠી સિનેમામાં સયાજી શિંદેનું નામ ઘણું મોટું છે. મરાઠી સિનેમાની સાથે, સયાજી શિંદેએ બોલિવૂડની અનેક ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કર્યો છે. 1999માં આવેલી ફિલ્મ શૂલમાં પણ સયાજી શિંદેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સયાજી શિંદેએ પણ બોલિવૂડ ફિલ્મ અભાનમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.