પાકિસ્તાન માટે જાસૂસીના કેસમાં એન્જિનિયરને અદાલતી કસ્ટડી | મુંબઈ સમાચાર

પાકિસ્તાન માટે જાસૂસીના કેસમાં એન્જિનિયરને અદાલતી કસ્ટડી

મુંબઈ: પાકિસ્તાન માટે કથિત જાસૂસી તેમ જ સબમરીન અને યુદ્ધજહાજોની સંવેદનશીલ માહિતી આપવાના કેસમાં ધરપકડ કરાયેલા થાણેના મિકેનિકલ એન્જિનિયર રવીન્દ્ર વર્માને કોર્ટે ગુરુવારે 14 દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

ડિફેન્સ ટેક્નોલૉજી કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતા 27 વર્ષના વર્માની ગયા સપ્તાહે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) ધરપકડ કરી હતી. થાણેના કલવા વિસ્તારમાં રહેતા વર્માની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી ગુરુવારે તેને ફરી કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો.

આપણ વાંચો: પાકિસ્તાન માટે જાસૂસી: એટીએસ રવિ વર્માના કામના સ્થળે તપાસ કરી સહકર્મચારીઓની પૂછપરછ પણ કરશે

વર્માના વકીલ રાજહંસ ગિરાસેએ જણાવ્યું હતું કે પોલીસે વધુ રિમાન્ડની માગણી ન કરતાં કોર્ટે વર્માને 14 દિવસની અદાલતી કસ્ટડીનો આદેશ આપ્યો હતો.

એટીએસના દાવા મુજબ વર્માએ નૌકાદળનાં જહાજો અને સબમરીનની સંવેદનશીલ માહિતી સ્કેચીઝ, ડાયેગ્રામ્સ અને ઑડિયો નોટ્સ મારફત પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઑપરેટિવને પૂરી પાડી હતી. આના બદલામાં તેણે ભારત અને વિદેશનાં વિવિધ બૅન્ક ખાતાંમાં નાણાં સ્વીકાર્યાં હતાં.

આપણ વાંચો: પાકિસ્તાન માટે જાસૂસી: રવિ વર્માએ નૌકાદળનાં 14 જહાજ-સબમરીનના સંવેદનશીલ ડૅટા પાકિસ્તાની એજન્ટને શૅર કર્યા…

પોલીસના કહેવા અનુસાર ફેસબુક પર મહિલાના સ્વાંગમાં પાકિસ્તાની એજન્ટે હની ટ્રેપમાં ફસાવી વર્માને મહત્ત્વની માહિતી આપવા લલચાવ્યો હતો. વર્માએ ઘણી વાર સંવેદનશીલ માહિતી આપી હોવાનું તપાસમાં જણાયું હતું.

ડિફેન્સ ટેક્નોલૉજી કંપનીમાં કામ કરતો હોવાથી વર્મા સહેલાઈથી દક્ષિણ મુંબઈના નેવલ ડૉક્યાર્ડમાં પ્રવેશી શકતો હતો. તે સબમરીન અને યુદ્ધજહાજો પર પણ જતો હતો. તેણે પાકિસ્તાની એજન્ટને સબમરીન અને યુદ્ધજહાજોનાં નામ પણ આપ્યાં હોવાની શંકા એટીએસે વ્યક્ત કરી હતી. (પીટીઆઈ)

Back to top button