આમચી મુંબઈ

બદલાપુર કેસ: પાંચ પોલીસ સામે FIR, હાઈ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી

એફઆઇઆર નોંધવામાં અનિચ્છા દાખવવા રાજ્ય સરકારની ઝાટકણી કાઢી

મુંબઈ: બદલાપુર જાતીય સતામણી કેસના આરોપીના કસ્ટડીમાં થયેલા મોત કેસમાં બોમ્બે હાઇ કોર્ટે આજે પાંચ પોલીસ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો તથા આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી હતી. કોર્ટે આ કેસને ગંભીરતાથી ન લેવા માટે રાજ્ય સરકારની પણ ઝાટકણી કાઢી હતી.

આરોપી અક્ષય શિંદેને પોલીસ વેનમાં લઇ જતી વખતે તેણે પોલીસની બંદૂક છીનવીને ગોળીબાર કર્યો હતો ત્યારે પોલીસે પલટવારમાં ગોળી ચલાવી હતી જેમાં તેનું મૃત્યુ થયું હતું એવો પોલીસે દાવો કર્યો છે, પરંતુ આરોપીના પરિવારે તેના મોત પર શંકા વ્યક્ત કરતા કોર્ટમાં કેસ કર્યો હતો.

આપણ વાંચો: બદલાપુર એન્કાઉન્ટર કેસના મેજિસ્ટ્રેટ રિપોર્ટને રાજ્ય સરકાર પડકારશે

એક બંધારણીય કોર્ટ તરીકે હાઇ કોર્ટ મૂક સાક્ષી બનીને જોતી રહી શકે નહીં, જ્યારે કે મૃતકના પરિવારને પણ ભલે આ કેસને આગળ વધારવામાં કોઇ રસ ન હોય, એમ કોર્ટે કહ્યું હતું. આરોપી અક્ષય શિંદેના માતાપિતાએ દાવો કર્યો હતો કે તેમના પુત્રનો બનાવટી એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી છે. તેમ છતાં પાછળથી તેમણે આ કેસ આગળ ન વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

એફઆઇઆર નોંધવામાં અનિચ્છા દેખાડવા માટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું હતું કે આવું વલણ રાજ્ય સરકારની કટિબદ્ધતા પર સવાલ ઉઠાવે છે અને સામાન્ય વ્યક્તિનો ન્યાયતંત્ર પરથી વિશ્ર્વાસ ઉઠવા લાગે છે.

બદલાપુરની એક સ્કૂલમાં બે સગીરની જાતીય સતામણી કેસના આરોપી અક્ષય શિંદેની પોલીસ ગોળીબારમાં ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના મોત થયું હતું. કોર્ટે નોંધ્યું હતું કે એફઆઇઆર નોંધવા માટે રાજ્ય સરકારની અનિચ્છાએ શિંદેના માતાપિતાને અસહાય બનાવી દીધા હતા. 
(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button