એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવા 15 કલાકનો મેગાબ્લોક: 40 એક્સપ્રેસ અને 1250 લોકલ ટ્રેન અટકાશે?

મુંબઈઃ એલ્ફિન્સ્ટન બ્રિજને તોડી પાડવા અંગે મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને MRIDC (મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન) વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બેઠકો ચાલી રહી છે. પરંતુ, હજુ સુધી સંપૂર્ણ પ્લાન તૈયાર થઇ શક્યો નથી. વાસ્તવમાં MRIDC (મહારેલ)એ બ્રિજ તોડી પાડવા માટે 14 કલાકના બ્લોકની માંગણી કરી છે અને રેલવેને ઓવરહેડ ઈલેક્ટ્રિકલ વાયર (ઓએચઈ)ના કામકાજ માટે લગભગ 1 કલાકની જરૂર પડશે.
આ મુજબ, દાદર-સીએસએમટી વચ્ચેની સેવા 15 કલાક માટે બંધ કરવી પડશે, જેના કારણે 40 એક્સપ્રેસ અને 1,250 લોકલ ટ્રેન પ્રભાવિત થઈ શકે છે. આ જ કારણ છે કે મધ્ય રેલવે સમક્ષ પ્રશ્ન ઉભો થયો છે કે 15 કલાકનો બ્લોક કેવી રીતે લેવો?
આ પણ વાચો : આજે રેલવેની ત્રણેય લાઇનમાં બ્લોક…
મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો બ્લોક દરમિયાન CSMT અને દાદર વચ્ચેની ચારેય લેન બંધ રહેશે, તો દેશના વિવિધ ભાગોમાંથી CSMT પહોંચતી લગભગ 40 મેલ/એક્સપ્રેસ અને 1250 લોકલ સેવાઓ પ્રભાવિત થશે.
જો આ ટ્રેનોને દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) સુધી ટૂંકાવવાનો નિર્ણય લેવામાં આવે તો આ બંને સ્ટેશનોની ક્ષમતા આ ટ્રેનોને સમાવવા માટે પૂરતી નથી. આનાથી આગામી થોડા દિવસો માટે ટ્રેન સેવાના સમયપત્રક પર પણ અસર પડી શકે છે. હાલમાં, આ બ્લોકનું આયોજન મુંબઈગરા સહિત તમામ મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે રીતે કરવામાં આવી રહ્યું છે. આ બ્લોક માટે રેલવે બોર્ડ પાસેથી પરવાનગી મેળવવી પડશે.
આ પણ વાચો : કર્ણાક પુલનું મૂરત નવા વર્ષમાં નીકળશે…
ગર્ડર અને ઓવરહેડ વાયર વચ્ચેનું અંતર ઓછું છે
પુલનો 132 મીટરનો ભાગ મધ્ય અને પશ્ચિમ રેલવેના પાટા પરથી પસાર થાય છે. જોકે, બંને વિભાગોમાં બ્રિજ તોડવાનું કામ અલગ અલગ હાથ ધરવામાં આવશે. આ કામ શરૂઆતમાં મધ્ય રેલવે પર હાથ ધરવામાં આવશે. પુલના ગર્ડર અને ઓવરહેડ વાયર વચ્ચે નાના અંતરને કારણે, સમગ્ર રૂટનો વીજ પુરવઠો બંધ કરવો પડશે.



