બ્રિટીશ યુગના એલ્ફિન્સ્ટન બ્રિજને ગણેશોત્સવ બાદ ૧૦ સપ્ટેમ્બરથી બંધ કરાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બ્રિટીશ કાળના ૧૨૫ વર્ષ જૂના પ્રભાદેવીમાં આવેલા એલ્ફિન્સ્ટન બ્રિજને ગણેશોત્સવ બાદ બંધ કરીને ૧૦ સપ્ટેમ્બરથી તેને તોડી પાડવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે મંજૂરી આપી દીધી છે.
અટલ સેતૂને જોડનારા શિવડી-વરલી એલિવેટેડ રોડ પ્રોજેક્ટ અંતર્ગત આ જૂના બ્રિજને તોડીને તેની જગ્યાએ નવો ટુ વે એલિવેટેડ બ્રિજ બાંધવામાં આવવાનો છે.
સ્થાનિક રહેવાસીઓ આ બ્રિજને તોડી પાડવા સામે લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. નવો બ્રિજ બાંધવા માટે જૂના બ્રિજને તોડી પાડવો આવશ્યક હતો અને તે માટે મુંબઈ મેટ્રોપોલિટન લાંબા સમયથી પ્રયાસ કરી રહી હતી પણ રહેવાસીઓના આકરા વિરોધને કારણે કામ અટવાઈ પડ્યું હતું.
હવે જોકે ગણેશોત્સવ બાદ એમએમઆરડીએની માગણી મુજબ ટ્રાફિક પોલીસે આ બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે અને ૧૦ સપ્ટેમ્બરના રાતથી બ્રિજ બંધ કરીને તેને તોડી પાડવાનું કામ ચાલુ કરવામાં આવવાનું છે. જોકે રહેવાસીઓ સતત વિરોધ કરી રહ્યા છે અને ફરી રસ્તા પર ઊતરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે.

દક્ષિણ મુંબઈથી અટલ સેતુ પર પહોંચવું સરળ રહે તે માટે એમએમઆરડીએએ શિવડી-વરલી નવો ડબલ ડેકર એલિવેટેડ રોડ બાંધવાનો નિર્ણય લઈને કામ શરૂ કર્યું હતું.
મુખ્યત્વે પ્રભાદેવીમાં એલ્ફિન્સ્ટન બ્રિજને તોડી પાડવો આવશ્યક છે, તે માટે એમએમઆરડીએ ફેબ્રુઆરી, ૨૦૨૫થી પ્રયાસ કરી રહી હતી પણ ત્યાં આવેલી ૧૯ બિલ્ડિંગને તોડી પાડવાની આવશ્યકતા હોવાથી કામ અટવાઈ પડ્યું હતું.
સ્થાનિક રહેવાસીઓના ભારે વિરોધ પગલે છેવટે એમએમઆરડીએ દ્વારા પ્લાનમાં ફેરફાર કર્યો હતો, તેને કારણે હવે ૧૯ને બદલે ફકત બે જ બિલ્ડિંગને તોડી પાડવામાં આવવાની છે.
આ બિલ્ડિંગના રહેવાસીઓના પુનર્વસન બાદ પુલને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પણ બંને બિલ્ડિંગના રહેવાસીઓ તેની સામે વિરોધ કરી રહ્યા છે અને એ જ જગ્યાએ તેમનું પુનવર્સન કરવાની માગણી કરી રહ્યા છે.
તે માટે તેઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા અને એપ્રિલમાં પુલ બંધ કરવા દીધો નહોતો. તેથી આ પુલને તોડી પાડવાનું કામ આગળ ધકેલવામાં આવ્યું હતું. હવે જોકે ટ્રાફિક પોલીસે બ્રિજને ગણેશોત્સવ બાદ તોડી પાડવાની મંજૂરી આપી દીધી છે. તેથી ૧૦ સપ્ટેમ્બરના રાતના બ્રિજને બંધ કરીને તોડવાનું શરૂ કરવામાં આવશે.
જોકે રહેવાસીઓએ તેમની પુનર્વસનની માગણીનો સ્વીકાર નહીં કરતા બ્રિજ તોડવાનો નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો એવી નારાજગી સાથે ફરી રસ્તા પર ઉતરવાની હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો…એલ્ફિન્સ્ટન બ્રિજ પર એક્ટિવા સ્લીપ થઇ જતાં પ્રભાદેવીના કચ્છીનો જીવ ગયો…