કૉલેજની વિદ્યાર્થિનીનો વિનયભંગ કરનારા ઈલેક્ટ્રિશિયનની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્વંતત્રતાદિન સંદર્ભેનાં પોસ્ટરની ઝેરોક્સ કઢાવવા ગયેલી દક્ષિણ મુંબઈના ગિરગામ ચોપાટી સ્થિત કૉલેજની વિદ્યાર્થિનીનો કથિત વિનયભંગ કરવા પ્રકરણે પોલીસે ઈલેક્ટ્રિશિયનની ધરપકડ કરી હતી.
ગામદેવી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહમ્મદ મુઝમ્મીલ મોહમ્મદ આલમ શફી (29) તરીકે થઈ હતી. ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો શફી નાગપાડાની અરબ ગલ્લીમાં રહેતો હોવાનું અધિકારીનું કહેવું છે.
પોલીસ ફરિયાદ અનુસાર કૉલેજમાં સ્વતંત્રતાદિન નિમિત્તેના કાર્યક્રમ હોવાથી તેને લગતાં પોસ્ટર તૈયાર કરવામાં આવી રહ્યાં હતાં. પોસ્ટરની ઝેરોક્સ કઢાવવા વિદ્યાર્થિની બુધવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ કૉલેજ પાસેની દુકાનમાં ગઈ હતી, જ્યાં આરોપી પણ આવ્યો હતો.
ઝેરોક્સ કઢાવી વિદ્યાર્થિની કૉલેજ તરફ જઈ રહી હતી ત્યારે આરોપીએ તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો. ડરી ગયેલી વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરી મૂકતાં આરોપી દોડતો કૉલેજ કૅમ્પસમાં ઘૂસ્યો હતો. વિદ્યાર્થિનીએ બનેલી ઘટના અંગે કૉલેજના સિક્ટોરિટી ગાર્ડને જાણ કરી હતી. સિક્યોરિટી ગાર્ડે કૅમ્પસમાં શોધ ચલાવી આરોપીને પકડી પાડ્યો હતો. કૉલેજ દ્વારા પોલીસને જાણ કરાતાં અધિકારીઓએ આરોપીને તાબામાં લીધો હતો. ધરપકડ કરાયેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.