હવે ઈમારતો માટે ઈલેક્ટ્રિકલ ઓડિટ થશે ફરજિયાત
સુધરાઈની રાજ્ય સરકારને પ્રસ્તાવ મોકલવાની તૈયારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહિસરમાં તાજેતરમાં બહુમાળીય બિલ્ડીંગમાં લાગેલી આગમાં બેના મૃત્યુ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ જેમ બિલ્ડીંગ માટે ફાયર ઓડિટ ફરજિયાત હોય છે તે મુજબ ઈલેક્ટ્રિકલ ઓડિટ પણ ફરજિયાત કરવા બાબતે વિચાર કરી રહી છે. ફાયરબ્રિગેડ સાથેની બેઠકમાં રાજ્ય સરકારને મોકલવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણકે સુધરાઈ પાસે આવા ઓડિટને અમલમાં લાવવા માટે કાયદાકીય અધિકાર નથી. આ અધિકાર રાજ્યના ચીફ ઈલેક્ટ્રિકલ ઈન્સપેક્ટોરેટ પાસે છે.
મુંબઈમાં લાગતી આગમાંથી લગભગ ૬૦ ટકા આગ ખામીયુક્ત ઈલેક્ટ્રિકલ સર્કિટ સાથે જોડાયેલી હોવાથી સુધરાઈ આવી દુર્ઘટનાઓને ટાળી શકાય તે માટે સુધરાઈ તેના પર ઉપાયયોજના પણ શોધવાની છે.
સાત સપ્ટેમ્બર, ૨૦૨૫ના દહિસરમાં ૨૩ માળની એસઆરએ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલા ઈલેક્ટ્રિક મીટર બોક્સમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે નીકળેલા ધુમાડાને કારણે ફાયર બ્રિગેડને આગનું ચોક્કસ સ્થળ શોધવામાં પણ ભારે અડચણો આવી હતી. મુંબઈમાં છેલ્લાં અનેક વર્ષોમાં આગની આવી દુર્ઘટનાઓમાં અનેકના ભોગ લેવાય છે. મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ ૨૦૦૬ મુજબ હાલમાં દરેક ઊંચી બિલ્ડીંગને દર બે વર્ષે ફાયર ઓડિટ ફરજિયાત છે. જોકે મુંબઈની બિલ્ડીંગ માટે ઈલેક્ટ્રિકલ ઓડિટ ફરજિયાત કરવાની કોઈ જોગવાઈ નથી.
ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈની હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોય છે. મુખ્યત્વે નબળી જાળવણી, હલકી ગુણવત્તાના વાયરિંગ મટિરિયલ અને ઓવરલોડિંગને કારણે શોર્ટ સર્કિટ થતા હોય છે.
પાલિકાના એડિશનલ કમિશનર અમિત સૈનીએ જણાવ્યું હતું કે ફાયર ઓડિટની માફક ઈલેક્ટ્રિક ઓડિટ પણ મુંબઈ માટે આવશ્યક અને મહત્ત્વપૂર્ણ છે. અમે આવી આગની ઘટનાઓને ઘટાડવા માટે યોગ્ય પગલા અમલમાં મૂકવા માટે અભ્યાસ કરી રહ્યા છે. પાલિકા કમિશનરની મંજૂરી પછી રાજ્ય સરકાર સાથે પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે.
મુંબઈમાં આગ લાગવાની ઘટના
વર્ષ | કેસ |
2019 | 5880 |
2020 | 4354 |
2021 | 4121 |
2022 | 4417 |
2023 | 5074 |
2024 | 5301 |
આ પણ વાંચો…ઓડિટ રિપોર્ટમાં ઘાલમેલ કરવા લાંચ માગનારા ત્રણ સરકારી કર્મચારી પકડાયા