જનાવરોથી પાકને બચાવવા ખેતર ફરતે લગાવેલા વાયરમાંથી કરન્ટ લાગતાં પરિવારના પાંચનાં મોત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

જનાવરોથી પાકને બચાવવા ખેતર ફરતે લગાવેલા વાયરમાંથી કરન્ટ લાગતાં પરિવારના પાંચનાં મોત

મુંબઈ: જનાવરોથી પાકને સુરક્ષિત રાખવા માટે ખેતર ફરતે લગાવવામાં આવેલા વાયરમાંથી કરન્ટ લાગવાથી એક જ પરિવારના પાંચ જણનાં મોત નીપજ્યાં હોવાની ઘટના જળગાંવ જિલ્લામાં બની હતી. વાયરમાંથી વીજપ્રવાહ પસાર થઈ રહ્યો હતો અને મૃતક પરિવાર અકસ્માતે તેના સંપર્કમાં આવ્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં દોઢ વર્ષની બાળકી બચી ગઈ હતી અને તે પરિવારજનોનાં શબ પાસે બેસીને આક્રંદ કરતી મળી આવી હતી. ઘટનાસ્થળે બે જંગલી ડુક્કર પણ મરેલા પડ્યાં હતાં.

એરંડોલ શહેર નજીકના વારખેડી ગામમાં મંગળવારની મોડી રાતે આ ઘટના બની હોવાનું કહેવાય છે. જોકે ગામજનોને બુધવારની સવારે ઘટનાની જાણ થઈ હતી. પતિ-પત્ની, એક વૃદ્ધા અને બે બાળક મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. પોલીસ મૃતકોની ઓળખ મેળવવાના પ્રયાસ કરી રહી છે.

આપણ વાંચો: અંબાલાલની લેટેસ્ટ આગાહી, વિષમ આબોહવાથી કૃષિ પાકમાં વધશે જીવાતનો ઉપદ્રવ…

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંડુ પાટીલની માલિકીના ખેતર પાસેથી પસાર થનારા ગામનો એક રહેવાસીની નજર બેભાન અવસ્થામાં પડેલા પાંચ જણ અને તેની પાસે બેસીને રડતી બાળકી પર પડી હતી. તેણે તરત જ ગામના મુખિયા અને પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હૉસ્પિટલે લઈ જવાયેલા પાંચેયને તબીબે મૃત જાહેર કર્યા હતા. બાળકીને પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી, જ્યાં અત્યારે તેની સારસંભાળ લેવામાં આવી રહી છે.

અધિકારીના જણાવ્યા મુજબ મૃતક પરિવાર ચાલતો જતો હશે અને વીજળીના વાયરના સંપર્કમાં આવ્યો હશે, જેને કારણે તેમને કરન્ટ લાગ્યો હતો. આ વાયર ખેતરના પાકને જંગલી પ્રાણીઓથી સુરક્ષિત રાખવા લગાવવામાં આવ્યો હતો અને તેમાં વીજપ્રવાહ ચાલુ હતો. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button