મુંબઈમાં ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી: બે મહિનામાં 100 ઈ-બાઈક ટેક્સીની નોંધણી…

મુંબઈ: સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા ત્રણ મુખ્ય એગ્રીગેટર્સને કામચલાઉ લાઇસન્સ આપ્યા પછી છેલ્લા બે મહિનામાં મુંબઈમાં ફક્ત 100 ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી નોંધાઈ છે.
સપ્ટેમ્બરમાં વડાલા આરટીઓ ખાતે રેપિડો અને ઉબેરની ૫૦ ઇલેક્ટ્રિક બાઇક ટેક્સીઓ નોંધાઈ હતી. આ બધા વાહનો બી ગૌસ ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જે શહેરમાં અત્યાર સુધી ઔપચારિક રીતે બાઇક ટેક્સી તરીકે નોંધાયેલા એકમાત્ર ટુ-વ્હીલર છે, એમ એક વરિષ્ઠ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું.
નિયમ મુજબ આ બાઇક ટેક્સી પીળા રંગની હોય છે અને સવાર અને પાછળ બેઠેલા વ્યક્તિ વચ્ચે લગભગ એક ફૂટ ઊંચાઈનું ગાદીનું પાર્ટિશન સ્થાપિત કરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ ટેક્સીઓ ‘ટ્રાન્સપોર્ટ’ શ્રેણીમાં નોંધાયેલી છે, જેમાં કાળા અક્ષરોવાળી પીળી નંબર પ્લેટો છે. નોંધપાત્ર રીતે, ભલે મોટી સંખ્યામાં ટુ વ્હીલરનો ઉપયોગ ડિલિવરી માટે થઈ રહ્યો હોય,આ ૧૦૦ ઇલેક્ટ્રિક બાઇક ટેક્સીઓ એકમાત્ર એવી ટુ વ્હીલર છે જે આ વર્ષે ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં નોંધાયેલી છે, અધિકારીઓએ નોંધ્યું.
આ વર્ષની શરૂઆતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ મુંબઈ બાઇક ટેક્સી નિયમો ૨૦૨૫ હેઠળ ઓલા, ઉબેર અને રેપિડોની પેરેન્ટ કંપનીઓ માટે કામચલાઉ લાઇસન્સ મંજૂર કર્યા હતા, જેનાથી તેઓ મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં બાઇક ટેક્સી ચલાવી શકે. એએનઆઈ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (ઓલા), ઉબેર ઇન્ડિયા સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ (ઉબેર) અને રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ (રેપિડો)ને લાઇસન્સ આપવામાં આવ્યા હતા.
સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ કંપનીઓને એક મહિનાની અંદર કાયમી લાઇસન્સ માટે અરજી કરવા અને મહારાષ્ટ્ર બાઇક ટેક્સી નિયમો ૨૦૨૫નું સંપૂર્ણ પાલન કરવા પણ કહ્યું હતું. ઓથોરિટીએ એ પ્રથમ ૧.૫ કિમી માટે લઘુત્તમ ભાડું રૂ. ૧૫ અને ત્યાર બાદ રૂ. ૧૦.૨૭ પ્રતિ કિમી નક્કી કર્યું છે. ટેક્સીઓ અને ઓટોરિક્ષા માટે ઉપયોગમાં લેવાતા ખટુઆ સમિતિના ફોર્મ્યુલા પર આધારિત ભાડા માળખાની સમીક્ષા એક વર્ષ પછી કરવામાં આવશે.



