શરદ પવારની એનસીપીના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન એકસરખું? એનસીપીએ ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ
મુંબઈ: બારામતી ખાતેના એક અપક્ષ ઉમેદવારને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ચિહ્ન બાબતે શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા વાંધો ઉઠાવી આ મામલે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અપક્ષ ઉમેદવારને ચૂંટણી પંચ દ્વારા ટ્રમ્પેટ(એક પ્રકારનું વાજીંત્ર) જેવું ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું છે, જેના વિરુદ્ધ એનસીપી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બારામતી ક્ષેત્રને શરદ પવારનો ગઢ માનવામાં આવે છે અને હાલ આ બેઠક પરથી પવારના પુત્રી સુપ્રિયા સુળે સાંસદ છે.
એનસીપીનું કહેવું છે કે ચૂંટણી પંચે અહીંના અપક્ષ ઉમેદવાર શેખ સોયલશાહ યુનુસશાહને ટ્રમ્પેટ જેવું ચૂંટણી ચિહ્ન આપ્યું છે જે પોતાના એન્સીપી-શરદચંદ્ર પવારના ચૂંટણી ચિહ્ન તૂતારી(રણશિંગુ) જેવું છે. શરદ પવાર જૂથની એનસીપીનું ચૂંટણી ચિહ્ન એક વ્યક્તિ પરંપરાગત રણશિંગુ ફૂંકી રહ્યો હોય એ પ્રકારનું છે.
આપણ વાંચો: એકનાથ ખડસેનો નછૂટકે ભાજપ પ્રવેશ: શરદ પવાર
આ ફરિયાદ સુપ્રિયા સુળેના ચૂંટણી પ્રતિનિધિ લક્ષ્મીકાંત ખાબીયા દ્વારા દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે બંને ચૂંટણી ચિહ્નના નામ એકસરખા જણાય છે અને તેના કારણે મતદારો ભ્રમમાં મૂકાઇ શકે અથવા તો ભૂલમાં પોતાનો મત અન્ય ઉમેદવારને આપી શકે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે બારામતી લોકસભા બેઠક પર સુપ્રિયા સુળે સામે મહાયુતિ દ્વારા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની સુનેત્રા પવારને ઉમેદવારી સોંપવામાં આવી છે.