Election Result: મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસને કેટલા મત મળ્યા?
ભારતીય જનતા પાર્ટી ૯ બેઠક જીત્યું અને ૨૬.૧૮ ટકા વોટ શેર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી (Loksabha Election result)માં ભાજપ ૨૮ બેઠક પર ચૂંટણી લડી અને એમાંથી માત્ર ૯ બેઠક મેળવી હોવા છતાં ભાજપે ૨૬.૧૮ ટકાનો વોટ શેર જાળવી રાખ્યો હતો, જે તેના ૨૦૧૯ના ૨૭.૮૪ ટકાના પ્રદર્શનથી થોડો ઓછો છે, જ્યારે તેણે ૨૫માંથી ૨૩ બેઠક મેળવી હતી.
ભાજપને આ વખતે ૧૪,૯૧૩,૯૧૪ મત મળ્યા છે. તેનાથી વિપરીત કોંગ્રેસ, ૧૭ બેઠકો પર ચૂંટણી લડીને ૧૩ બેઠક જીતીને ૧૬.૯૨ ટકા મતો સાથે મહારાષ્ટ્રમાં અગ્રણી પક્ષ તરીકે ઉભરી અગાઉની ચૂંટણીઓમાં તેના ૧૬.૪૧ ટકા વોટ શેર કરતાં નોંધપાત્ર સુધારો થયો , જ્યાં તે ૨૬ બેઠકો પર લડી હતી એમાંથી માત્ર એક બેઠક જીતી હતી.
કોંગ્રેસને આ વખતે ૯,૬૪૧,૮૫૬ વોટ મળ્યા છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના ભાજપના સાથી પક્ષ શિવસેનાએ ૭,૩૭૭,૬૭૪ મતો મેળવીને ૧૫ માંથી ૭ બેઠકો જીતીને ૧૨.૯૫ ટકા મત મેળવ્યા હતા. દરમિયાન, અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી ,ચાર બેઠકો પર ચૂંટણી લડીને ૨,૦૫૩,૭૫૭ મત મેળવીને ૩.૬૦% ના સાધારણ વોટ શેર સાથે એક બેઠક જીતી હતી.
મહા વિકાસ અઘાડીમાં, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ ૧૬.૭૨% મત મેળવ્યા હતા, અને ૨૧ માંથી ૯ બેઠકો પર વિજય મેળવ્યો હતો. નોંધનીય છે કે,૨૦૧૯માં અવિભાજિત શિવસેનાએ ૨૩.૫% વોટ શેર સાથે ૨૩ બેઠકોમાંથી ૧૮ બેઠકો જીતી હતી.
શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)એ ૧૦.૨૭ ટકા વોટ શેર સાથે ૫,૮૫૧,૧૬૬ મતો મેળવીને દસ બેઠક પર ચૂંટણી લડી અને આઠ જીતી. 2૦૧૯માં, અવિભાજિત એનસીપીએ ૧૫.૬૬ ટકા વોટ શેર સાથે ૨૨માંથી ચાર બેઠકો જીતી હતી.
શિવસેના (યુબીટી), એનસીપી (શરદચંદ્ર પવાર) અને કૉંગ્રેસના બનેલા મહા વિકાસ અઘાડી ગઠબંધને મહારાષ્ટ્રની ૪૮ લોકસભા બેઠકોમાંથી ૩૦ બેઠકો પર વિજય મેળવ્યો હતો. તેનાથી વિપરીત, મહાયુતિ ગઠબંધન, જેમાં ભાજપ, શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીનો સમાવેશ થાય છે, તે ૧૭ બેઠકો સુધી મર્યાદિત રહી.